________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૪૬ : આત્મભાવના
સ્થિતિ બતાવીને જીવોને મિથ્યાત્વથી છોડાવવા માંગે છે. હે ભાઈ! મિથ્યાત્વનું આવું આકરું ફળ છે, એમ જાણીને તું તે મિથ્યાત્વનું સેવન છોડી દે, ને આત્માનું સ્વરૂપ સમજ-જેથી તારું હિત થાય ! આમ હિત માટે જ જ્ઞાનીનો ઉપદેશ છે.-પણ શું થાય!! અરેરે, આ કાળ! જીવો હિતની વાત સાંભળતાં પણ ઉલટા વિરોધ કરે છે. શું થાય? કાંઈ કોઈના ભાવ બીજો ફેરવી શકે છે!! સંસાર તો એમ ને એમ ચાલ્યા જ કરવાનો છે. જે જીવો સત્ય સમજે તેની બલિહારી છે...તેના સંસારનો એક બે ભવમાં અંત આવી જશે. બાકી જગતમાં તો સંસાર ચાલ્યા જ કરવાનો છે....ને સંસારમાં રખડવાને યોગ્ય પરિણામવાળા જીવો પણ રહ્યા જ કરવાના છે....જગતના બધાય જીવો સત્ય સમજીને મોક્ષ પામી જાય–એમ કદી બનવાનું નથી, માટે આ તો પોતે સત્ય સમજીને પોતાનું હિત સાધી લેવા જેવું છે. અજ્ઞાનીઓ પોકાર કરે તો કરો....પણ તેથી કાંઈ વસ્તુનું સ્વરૂપ તો ફરી નહિ જાય. વસ્તુસ્વરૂપ ન સમજતાં જેઓ વિરોધ કરે છે તેમના ઉપર જ્ઞાનીને કરુણા આવે છે.
જીઓ, કુંદકુંદાચાર્યદેવ જેવા મહાવીતરાગી સંત અષ્ટપ્રાભૂતમાં કહે છે કે વસ્ત્રનો એક તાણો પણ પરિગ્રહ તરીકે રાખીને પોતાને મુનિદશા મનાવે તો તે જીવ નિગોદે જાય; કેમકે મુનિદશારૂપ માર્ગને જ તેણે વિપરીત માન્યો. આમ કહેવામાં આચાર્ય ભગવાનને કાંઈ એવી ભાવના નથી કે અમારો વિરોધ કરે છે માટે તેને નિગોદમાં મોક્લવો, પરંતુ વસ્તુસ્થિતિ જ એવી છે કે મિથ્યાત્વ સેવનાર જીવ પોતાના ઊંધા પરિણામને લીધે નિગોદમાં જાય છે....એમ બતાવીને આચાર્યદેવ કરુણાબુદ્ધિથી જીવોને મિથ્યાત્વથી છોડાવવા માંગે છે... અરે જીવ ! મુનિદશાનું વાસ્તવિક સ્વરૂપ ઓળખ અને જિનમાર્ગની સાચી શ્રદ્ધા કર, કે જેથી આ સંસારનાં દુ:ખોથી તારો આત્મા છૂટે ને મોક્ષસુખ પામે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com