________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૩૪૯ માને છે તેમ આત્મા કાંઈ પંચભૂતથી ઉત્પન્ન થયેલ નથી, તેમ જ તે મરીને પંચભૂતમાં ભળી જતો નથી; તે તો સ્વયંસિદ્ધ અનાદિઅનંત તત્ત્વ છે; ને નિજસ્વરૂપમાં એકાગ્રતાના પ્રયત્ન વડે તે પરમ આનંદરૂપ મોક્ષદશા પામે છે. મોક્ષદશામાં સદાકાળ તેનું અસ્તિત્વ રહે છે.
વળી બીજા કોઈ એમ માને છે કે આત્મા તો સર્વથા શુદ્ધ જ છે, પર્યાયમાંય અશુદ્ધતા નથી.-તો તે પણ ભ્રમણા છે, ને તેનેય મોક્ષનો ઉદ્યમ જાગતો નથી. આત્મામાં શુદ્ધતાનું સામર્થ્ય સદાકાળ છે, પણ તેને ઓળખીને, તેમાં ઉપયોગને જોડે ત્યારે તે પ્રગટ થાય છે, ને એવા ઉપાયરૂપ યોગદ્વારા મોક્ષ થાય છે. આવી મોક્ષદશા ન પ્રગટે ત્યાં સુધી આત્મામાં અશુદ્ધતા છે.
આ રીતે, દેહથી ભિન્ન આત્મતત્ત્વની નિત્યતા, તેની પર્યાયમાં અશુદ્ધતા, તથા પ્રયત્ન દ્વારા તે અશુદ્ધતાનો નાશ કરીને મોક્ષની ઉત્પત્તિ, ને મોક્ષદશામાં પરમ આનંદસહિત આત્માનું નિત્ય અસ્તિત્વ, -આ બધા પ્રકાર જાણે ત્યારે જ મોક્ષનો સાચો ઉદ્યમ થાય છે. આત્મા અને તેની શુદ્ધ-અશુદ્ધ અવસ્થાઓના જ્ઞાન વગર સાચી સમાધિ કે મોક્ષસાધના થઈ શકે નહી. દેહબુદ્ધિ રાખીને અજ્ઞાનીઓ જે સમાધિ સાધવા માંગે છે તે તો કલ્પના છે; આત્માની ચૈતન્યસમાધિમાં તો મહાન અપૂર્વ આનંદ હોય છે.
દેહ તે આત્મા નથી એમ ભિન્નતા જાણીને જેણે પોતાના ઉપયોગને નિજસ્વરૂપમાં જોડ્યો છે, એવા સમાધિસ્થ યોગીમુનિઓને શરીરના છેદન-ભેદનાદિ ઉપસર્ગમાંય કદાપિ દુઃખ થતું નથી; તેઓ તો આનંદસ્વરૂપમાં ઉપયોગને જોડીને મોક્ષને સાધવામાં તત્પર છે. મોક્ષનો ઉધમ તો આનંદકારી છે, તે કાંઈ દુઃખરૂપ નથી. જગતને મોક્ષના ઉપાયની ખબર નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com