________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬: આત્મભાવના અંતરાત્માને પ્રાથમિકદશામાં તો આ જગત ઉન્મત્ત જેવું લાગે છે, કે “અરેરે ! આ જગત ચૈતન્યસ્વરૂપના ચિંતનથી ભ્રષ્ટ થઈને શુભઅશુભ ચેષ્ટાઓમાં જ ઉન્મત્તની માફક પ્રવર્તી રહ્યું છે. પણ પછી તે અંતરાત્મા યોગીને પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો અભ્યાસ કરતાં આ જગત કાષ્ઠપાષાણના રૂપ જેવું ચેષ્ટારહિત દેખાય છે. પોતાના સ્વરૂપમાં લીન થતાં જગતસંબંધી ચિંતા જ છૂટી જાય છે.આ રીતે અંતરાત્માની બે ભૂમિકાઓ અહીં બતાવી છે.
આત્મસ્વરૂપનું સમ્યકભાન થયું હોવા છતાં ધર્મીને શરૂઆતમાં રાગની ભૂમિકામાં એવો વિકલ્પ આવે છે કે અરે! આ જગતના જીવો આત્મસ્વરૂપને ભૂલીને સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે, તેઓ અજ્ઞાનથી ઉન્મત્ત જેવા થઈ ગયા છે કે પરદ્રવ્યને પોતાનું માની રહ્યા છે ને સ્વતત્ત્વને ભૂલી રહ્યા છે.-આ રીતે જ્ઞાનીને કરુણાબુદ્ધિથી જગત ગાંડા જેવું લાગે છે. અરે! આવા આત્મસ્વરૂપને ભૂલીને જગત ભ્રમણામાં પડ્યું છે! જગતથી જુદો-જગત ઉપર તરતો એવો જે પોતાનો ચૈતન્યસ્વભાવ તેનું ભાન પોતે તો કર્યું છે, તેને બીજા જીવો દેહાદિની ક્રિયાને પોતાની માનીને વર્તતા દેખીને એમ લાગે છે કે અરે, આ જીવો મોહથી મૂછઈ ગયેલા ગાંડા છે, મોહરૂપી ભૂત તેમને વળગ્યું છે.
વળી જ્ઞાનીને ભેદજ્ઞાનના અભ્યાસથી જ્યારે વિશેષ દઢતા થાય છે ત્યારે તેને આખું જગત અચેત જેવું લાગે છે, એટલે પોતાના ચૈતન્યચિંતનની ઉગ્રતા થતાં જગત પ્રત્યે લક્ષ જતું નથી, સહજ ઉદાસીન પરિણતિ વર્તે છે. ચૈતન્યતત્ત્વથી બહાર બધું મારાથી ભિન્ન છે-એમ તો પહેલેથી જાણ્યું જ છે, ને પછી તેમાં સ્થિરતાનો અભ્યાસ કરતાં તેને જગત સંબંધી ચિંતા છૂટી જાય છે; સ્વરૂપમાં જોડાણ થયું છે ત્યાં જગત ચેષ્ટારહિત કાષ્ઠપાષાણ જેવું લાગે છે, એટલે કે પરસંબંધી ચિંતા તેને થતી નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com