________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૭ર: આત્મભાવના તો લોકસંસર્ગ છોડીને અંતરના ચૈતન્યતત્ત્વમાં નિવાસ કરે છે. મુનિઓ આનંદમાં ઝુલતા ને આત્મામાં વસતા,-બાહ્ય જંગલમાં રહે છે, પણ બાહ્ય જંગલથી મને શાંતિ છે-એવી બુદ્ધિ નથી; જંગલ પણ પર છે, અમારો વાસ તો અમારા શુદ્ધસ્વરૂપમાં જ છે, અંતસ્વરૂપમાં એકાગ્ર થયા ત્યાં જાણે સિદ્ધભગવાનની સાથે બેઠા ! સમસ્ત પદાર્થોથી વિભક્ત એવો જે પોતાનો આત્મા તેમાં જ મુનિઓ વસે છે. જંગલમાંથી આહીરાદિ માટે ગામમાં આવે, ને લોકોનાં ટોળાં નજરે પડે ત્યાં મુનિને કાંઈ સંદેહ નથી થઈ જતો કે હું સ્વરૂપમાંથી ખસીને લોકસંસર્ગમાં આવી ગયો. ચારેકોર ભક્તોના ટોળાં હોય છતાં મુનિ જાણે છે કે મારો આત્મા લોકસંસર્ગથી પર છે, મારા ચૈતન્યસ્વરૂપમાં જ મારો નિવાસ છે. બહારમાં ભક્તોનાં ટોળાં વચ્ચે બેઠા છે માટે તેને બાહ્યદષ્ટિ છેએમ નથી; તેમ જ બહારમાં લોકોનો સંગ છોડીને જંગલમાં જઈને ગુફામાં રહે તેથી તેને બાહ્યદષ્ટિ છૂટી ગઈ છે-એમ પણ નથી. જ્ઞાની જાણે છે કે મારો આત્મા સર્વલોકથી જુદો જ છે, જ્ઞાનાનંદસ્વરૂપ મારો આત્મા જ મારું નિવાસધામ છે,-આવી અંતરદૃષ્ટિપૂર્વક જ્ઞાની તેમાં જ એકાગ્ર થાય છે; ને ચૈતન્યના આનંદમાં એકાગ્ર થતાં બાહ્ય સંસર્ગ પ્રત્યે રાગ-દ્વેષ થતા નથી, તેથી તેમણે બાહ્ય સંસર્ગ છોડ્યા-એમ કહેવામાં આવે છે. (૭૩).
*
*
*
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com