________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૧૬૫
રાગ-દ્વેષ જીતવાનો ઉપાય
સ્વસ્થ આત્માની ભાવના
૩૮મી ગાથામાં કહ્યું કે જેનું ચિત્ત ચૈતન્યમાં સ્થિર નથી તેને જ માન-અપમાનના વિકલ્પો સતાવે છે, પરંતુ જેનું ચિત્ત ચૈતન્યમાં સ્થિર છે તેને માન-અપમાનના વિકલ્પો થતા નથી. હવે તે માનઅપમાન સંબંધી વિકલ્પો કઈ રીતે દૂર કરવા ? તે કહે છે
यदा मोहात्प्रजायेते राग द्वेषौ तपस्विनः ।
तदैव भावयेत्स्वस्थमात्मानं साम्यतः क्षणात् ।। ३९।।
માન-અપમાન સંબંધી રાગ-દ્વેષ થવાનો પ્રસંગ આવતાં તે જ ક્ષણે બહારથી ચિત્તને પાછું વાળીને શાંત-સામ્યભાવ વડે સ્વસ્થ આત્માને ભાવવો. શુદ્ધ આત્માની ભાવનાથી ક્ષણમાત્રમાં રાગદ્વેષ શાંત થઈ જાય છે.
પહેલાં તો રાગાદિથી રહિત, ને પરથી રહિત શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની ઓળખાણ કરવી જોઈએ, પછી વિશેષ સમાધિની આ વાત છે. શુદ્ધ આત્માની ભાવના સિવાય રાગદ્વેષ ટાળવાનો ને સમાધિ થવાનો બીજો કોઈ ઉપાય નથી. અંતર્મુખ થઈને ચૈતન્યને સ્પર્શતાં જ રાગાદિ અલોપ થઈ જાય છે....ને ઉપશાંતરસની ધારા વહે છે. આનું નામ વીતરાગી સમાધિ છે.
રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભની ઉત્પત્તિનું મૂળ કારણ અજ્ઞાન છે. જ્યાં મૂળમાં અજ્ઞાન પડયું છે ત્યાં રાગ-દ્વેષાદિ વિભાવનું ઝાડ ફાલ્યા વિના રહેશે નહિ. ભેદવિજ્ઞાનવર્ડ દેહ અને આત્માને ભિન્ન ભિન્ન જાણીને આત્માની ભાવના કરવી તે જ રાગ-દ્વેષાદિ વિભાવોના નાશનો ઉપાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com