________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
-: વચનકાકારની પ્રશસ્તિ :
આ પ્રકારે શ્રી કુન્દુકુન્દ આચાર્યકૃત ગાથાબદ્ધ પાહુડ ગ્રંથ છે. તેમાં આઠ પાહુડ છે. તેમની આ દેશભાષામય વચનિકા લખી છે. છ પાહુડની તો ટીકા-ટિપ્પણિ છે. તેમાં ટીકા તો શ્રી શ્રુતસાગર કૃત છે અને ટિપ્પણિ પહેલાં કોઈ બીજાએ લખી છે. તેમાં કેટલીક ગાથા તથા અર્થ જુદા પ્રકારે છે. મારા વિચારમાં બેઠા તેમનો આશ્રય પણ લીધો છે અને જેવા અર્થો મને પ્રતિભાસિત થયા તેવા લખ્યા છે.
લિંગપાહુડ અને શીલપાહુડ-એ બન્ને પાહુડના ટીકા-ટિપ્પણિ મળ્યા નથી તેથી ગાથાનો અર્થ જેવો પ્રતિભાસમાં આવ્યો તેવો લખ્યો છે.
શ્રી શ્રુતસાગર કૃત ટીકા પાટુડની છે, તેમાં ગ્રંથાતરની સાક્ષી આદિ કથન ઘણું છે તે ટીકાની આ વચનિકા નથી. ગાથાનો અર્થ માત્ર વચનિકામાં લખીને ભાવાર્થમાં મારી સમજણ (પ્રતિભાસ)માં આવ્યું તે અનુસાર અર્થ લખ્યો છે.
પ્રાકૃત, વ્યાકરણ આદિનું જ્ઞાન મારામાં વિશેષ નથી. તેથી કોઈ સ્થળે વ્યાકરણથી તથા આગમથી શબ્દ અને અર્થ અપભ્રંશ થયો હોય તો બુદ્ધિમાન પંડિત મૂળ ગ્રંથ વિચારીને શુદ્ધ કરીને વાંચે, મને અલ્પબુદ્ધિ જાણીને હાંસી ન કરશો, ક્ષમા કરશો. પુરુષોનો સ્વભાવ ઉત્તમ હોય છે, દોષ દેખીને ક્ષમા જ કરે છે.
અહીં કોઈ કહે–તમારી બુદ્ધિ અલ્પ છે તો આવા મહાન ગ્રંથની વચનિકા શા માટે લખી? તેને કહેવાનું કે, આ કાળમાં મારાથી પણ મંદબુદ્ધિ ઘણા છે, તેમને સમજાવવા માટે લખી છે. આમાં સમ્યગ્દર્શનને દઢ કરવા માટે મુખ્યરૂપથી વર્ણન છે. તેથી અલ્પબુદ્ધિ પણ વાંચે, અભ્યાસ કરે, અર્થને ધારણ કરે તો તેમને જિનમતનું શ્રદ્ધાન દઢ થશે. આ પ્રયોજન જાણીને જેવો અર્થ સમજણમાં આવ્યો તેવો લખ્યો છે, અને જે ઘણા બુદ્ધિવાન છે તેઓ મૂળ ગ્રંથને વાંચીને જ શ્રદ્ધાન દેઢ કરશે.
મને કોઈ ખ્યાતિ, લાભ, પૂજાનું તો પ્રયોજન છે નહિ. ધર્માનુરાગથી આ વચનિકા લખી છે. તેથી બુદ્ધિમાનોએ ક્ષમા જ કરવી યોગ્ય છે.
આ ગ્રંથની ગાથાની સંખ્યા આ પ્રમાણે છે : પ્રથમ દર્શન પાહુડની ગાથા ૩૬, સૂત્રપાહુડની ગાથા ૨૭, ચારિત્રપાહુડની ગાથા ૪૫, બોધપાહુડની ગાથા ૬૨, ભાવપાહુડની ગાથા ૧૬૫, મોક્ષપાહુડની ગાથા ૧૦૬, લિંગપાહુડની ગાથા ૨૨ અને શીલપાહુડની ગાથા ૪૦- આમ આઠેય પાહુડ મળીને ગાથાની કુલ સંખ્યા ૫૦૩ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com