________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(90).
શ્રદ્ધા જેને હોય તેને ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગમાં ખેદ હોય નહીં, તેનો વિચાર નહીં, અંતરંગમાં ક્ષોભ નહીં, એવી જ્ઞાનની દઢતા હોય છે. જ્યાં સુધી ગૃહસ્થ અવસ્થા છે અને પુરુષાર્થમાં નિર્બળતા છે, ત્યાં સુધી તે જ્ઞાની હોવાં છતાં પૂર્વપ્રારબ્ધવશાત્ બહારથી જરા અસ્થિરતા થઈ જાય, પણ અભિપ્રાયમાં તે અશરીરી વીતરાગ- ભાવનું લક્ષ છે, અને તેવી જ પ્રગટ અવસ્થાની ભાવના હોય છે. આગળ મહાન મુનિવરો થઈ ગયા; તેઓએ ગમે તેવા ઉગ્ર પરિષહમાં પણ અપૂર્વ સમતા-સમાધિભાવે સહજ શાંતિમાં ઝૂલી, જ્ઞાનની રમણતા ટકાવી રાખી. દેહ પીલાય છે એવો વિકલ્પ પણ તોડીને જ્ઞાનઘન વીતરાગદશા રાખી; જેમાં રાગ-દ્વેષના વિકલ્પોનો પ્રવેશ ન થાય એવી અપૂર્વ સાધકદશા જલદી આવો એવી ભાવના રાખી છે. આ ધર્માત્મા ગૃહસ્થાશ્રમમાં બેઠા હતા કે આત્મામાં બેઠા હતા? સ્વરૂપની યથાર્થ જાગૃતિના ભાન વડે અપૂર્વતાના આ સંદેશા છે; આત્મબળનું જોડાણ સ્થિરતામાં અધિકપણે વર્તે છે, અને વીતરાગસ્વભાવને સિદ્ધ કરીને તે રૂપ થવાની ભાવના અહીં ભાવે છે; એમના નિઃશંક અભિપ્રાયમાં ભવનો અભાવ દેખાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com