________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ વદ ૪, રવિ ૪-૧-૫૩
પ્ર. - ૨૯
આત્માની શાંતિરૂપ પ્રકાશને અનુભવ કહે છે. આત્મામાં શાંતિ ને આનંદ શક્તિરૂપે અનાદિ અનંત પડયા છે. તેવા આત્માનો પુણ્યપાપ રહિત અનુભવ થાય તેને ધર્મ કહે છે. અકષાયપરિણામના પ્રકાશને અનુભવપ્રકાશ કહે છે.
હે ચિદાનંદરામ! અહીં “રામ” શબ્દ આત્મામાં રમણતાની અપેક્ષાએ વાપરેલ છે. શરીર, મન વાણી, પુષ્ય-પાપ નાશવાન છે, તે તારું સ્વરૂપ નથી. તમે ચિદાનંદ અમર છો-એમ માની પોતાને અવલોકો. તમારું મરણ થતું નથી, શરીરનો ને વિકારનો વ્યય થાય છે.
જેવી રીતે કોઈ ચક્રી પોતાના મહેલમાં ચૌદ રત્ન અને નવનિધિ હોવા છતાં દરિદ્ર થઈને ફરે, પણ પોતાની નિધિનું અવલોકન કરે તો ચક્રવર્તી થાય; તેમ આત્મા એક સમયમાં પ્રભુત્વશક્તિથી ભરેલો છે. એક સમયના પુણ્ય-પાપને અવલોકે નહિ, પણ પોતાના જ્ઞાનાનંદ સ્વભાવને અવલોકે તો પોતે પરમેશ્વર છે.
શરીર સારું હોય તો ધર્મ થાય, પુણ્ય કરતાં કરતાં ધર્મ થાયએવા ભિખારાવેડા કરી જીવ રખડી રહ્યો છે. એક સમયમાં નિત્યાનંદ પ્રભુ પૂર્ણ છે. પુણ્ય-પાપની રુચિ કરવી તે ભિખારીપદ છે, તે તેનું પદ નથી કેમકે પોતે પરમેશ્વર પદવાળો છે. મને સ્ત્રી મળે, મને અધિકારીપણું મળે, આમ ભિખારાવેડા અજ્ઞાની કરે છે, તે પરમેશ્વરપદને ઓળખતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com