________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ-રત્નત્રય
૧૫૭ ત્રિકાળી દ્રવ્ય મોક્ષના પરિણામ કરાવતું નથી. નિશ્ચયથી મોક્ષના પરિણામનું (ત્રિકાળી ધ્રુવ) દ્રવ્ય દાતા નથી. અહાહા....! શુદ્ધરત્નત્રયરૂપ જે મોક્ષનો માર્ગ તે મોક્ષમાર્ગની પર્યાયનું લક્ષ (ત્રિકાળી) દ્રવ્ય ઉપર છે, પણ દ્રવ્ય એ પર્યાયનો દાતા નથી. મોક્ષમાર્ગ અને મોક્ષની પર્યાયનો કર્તા દ્રવ્ય નથી. તો કોણ છે? એ પર્યાય પોતે જ પોતાનો કર્તા છે.
પ્રશ્ન:-- પર્યાય આવે છે તો દ્રવ્યમાંથી ને?
ઉત્તર:-- દ્રવ્યમાંથી આવે છે એમ કહેવું એ વ્યવહાર છે; બાકી પર્યાય થાય છે તે પોતે પોતાના કારણથી (પોતાના પકારકપણે) થાય છે. જો દ્રવ્યથી થાય તો એકસરખી પર્યાય થવી જોઈએ, પણ એમ તો થતું નથી માટે ખરેખર પર્યાય પર્યાયથી પોતાથી થાય છે. પર્યાયમાં થોડી શુદ્ધિ, વધારે શુદ્ધિ, એથીયે વધારે શુદ્ધિ એવી તારતમ્યતા આવે છે તે પર્યાયના પોતાના કારણે આવે છે. હું એટલું છે કે એ (-શુદ્ધ) પર્યાયનો આશ્રય સ્વદ્રવ્ય છે.
(૮-૧૩૦) (૪૩૮). બાપુ! વીતરાગનો મારગ-મોક્ષનો મારગ-તો એકલા વીતરાગભાવસ્વરૂપ છે; તે સ્વઆશ્રિત છે; તેમાં પરાશ્રિત રાગનો એક અંશ પણ સમાઈ શકે નહિ. શું કીધું? જેમ આંખમાં રજકણ સમાય નહિ તેમ ભગવાનના મારગમાં રાગનો કણ પણ સમાય નહિ. અહા ! મારગ તો શુદ્ધ ચૈતન્યસ્વભાવમય એક વીતરાગતામય જ છે. જેમ ભગવાન આત્મા એક ચૈતન્યસ્વભાવનો વીતરાગ-સ્વભાવનો અતીન્દ્રિય આનંદ ને શાંતિનો પિંડ છે, તેમ તેના આશ્રયે પ્રગટેલો માર્ગ પણ તેવો અતીન્દ્રિય આનંદમય ને વીતરાગી શાંતિમય છે. ભાઈ ! સરાગતા એ કાંઈ વીતરાગનો મારગ નથી.
(૮-૨૦૦૮) (૪૩૯) જુઓ, આત્માશ્રિત નિશ્ચયનય અર્થાત્ સ્વસ્વભાવ જે એક જ્ઞાયકભાવ તેનો આશ્રય કરનારાઓ જ મોક્ષ પામે છે, પણ પરાશ્રિત વ્યવહારનો આશ્રય કરનારાઓનો કદીય મોક્ષ થતો નથી..
અહાહા..! ચિદાનંદઘન પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા છે; એનો આશ્રય કરનારા મુનિવરો મુક્તિને પામે છે, પણ વ્યવહારનો આશ્રય કરનારાઓ ધર્મ પામતા નથી. આવો મારગ પ્રભુ! મુક્તિનો પંથ મહા અલૌકિક છે. જેમાં એક સ્વનો જ આશ્રય સ્વીકૃત છે...
અહાહા.......! સહજાનંદસ્વરૂપ આત્મા છો ને પ્રભુ! તું સ્વરૂપને જાણ્યા વિના બેખબર થઈ ક્યાં સૂતો છે પ્રભુ! અરે ! જો તો ખરો! આ સ્વ-પરની એકતા બુદ્ધિ રૂપી ચોર ભમી રહ્યો છે. જાગ રે જાગ નાથ! સ્વરૂપમાં જાગ્રત થા. આ જગતના લોકો-બાયડી-છોકરાં વગેરે તને લૂટી રહ્યાં છે. ભાઈ ! તેમનામાં ઘેરાઈને તું લૂંટાઈ રહ્યો છે તો જાગ ને સ્વને સંભાળ. સ્વમાં જાગનાર કોઈ વિરલા જ બચે છે.
(૮-૨૨૭)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com