________________
ભેદશાન
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૩
(૩૭૭)
અંદરમાં (-પર્યાયમાં ) રાગનો વિકલ્પ ઊઠે છે તે સૂક્ષ્મ છે (પરદ્રવ્યની અપેક્ષા અહીં વિકલ્પને સૂક્ષ્મ કહ્યો છે); અને ભગવાન જાણનારો અંદર એથીય અતિ સૂક્ષ્મ રહેલો છે. બેનાં પોતપોતાનાં નિયત નિશ્ચિત લક્ષણો છે. બંધનું લક્ષણ રાગ છે અને જ્ઞાન ને આનંદ આત્માનું લક્ષણ છે. અહા! જાણનાર... જાણનાર... જાણનાર તે આત્મા અને રાગ... રાગ... રાગ તે બંધ બીજી રીતે કહી એ તો નિરાકુલતા લક્ષણ આત્મા છે અને આકુળતા લક્ષણ બંધ છે. બંધની-રાગની દશા પર તરફની દિશાવાળી છે. આ પ્રમાણે બંનેનાં ભિન્ન ભિન્ન લક્ષણો છે. આ લક્ષણોથી બંને વચ્ચે સાંધ છે, એકપણું નથી.
અહા! અનાદિથી પર તરફના વલણવાળી રાગની દશા ને અંતરંગ જ્ઞાનની દશા-બેને ઊંડે ઊંડે એક માની આત્મા રાગી છે એમ એણે માન્યું છે, પણ અહીં કહે છે-એ બે વચ્ચે નિજ નિજ લક્ષણોથી અંતરંગ સંધિ-સંધિ છે. પ્રજ્ઞાછીણીને અર્થાત્ જ્ઞાનની દશાને અંતર્મુખ કરી સાવધાન થઈને સાંધમાં પટકતાં બંને ભિન્ન પડી જાય છે. અહા! જ્ઞાનની દશાને રાગથી ભિન્ન જાણી તેને અંતર–એકાગ્ર કરતાં તે એવી અંતરમાં સ્થિર થાય છે કે બન્ને જુદા પડી જાય છે. આનું નામ સમ્યગ્દર્શન ને ભેદવિજ્ઞાન છે. (૮-૪૦૨ )
(૩૭૮ )
ભાઈ ! આ દેહ તો ક્ષણમાં છૂટી જશે હોં. બાપુ! બહારમાં તને કોઈ શરણ નથી. અંદર એક આત્મા જ શરણ છે. આ પુણ્યપાપના ભાવો અશરણ છે, ભગવાન આત્મા જ એક શરણ છે. માટે પુણ્ય-પાપનું લક્ષ છોડી અંદર સાવધાન થા. સ્વરૂપના શરણમાં જતાં તેને અતીન્દ્રિય આનંદ થશે.
અહા ! ધ્રુવને ધ્યાનમાં લેતાં અર્થાત્ જ્ઞાનને (ઉપયોગને) એક ધ્રુવમાં–શુદ્ધ ચૈતન્યમાં એકાગ્ર કરી રાખતાં રાગ અને આત્મા બે ભિન્ન પડી જાય છે. અહા! પહેલાં જ્ઞાનની દશા રાગમાં તન્મય-એકાગ્ર હતી તે હવે ધ્રુવધામ પ્રભુ આત્મામાં એકાગ્ર થઈ ત્યાં રાગ ભિન્ન પડી ગયો અને તત્કાલ એટલે સ્વાનુભવના તે જ સમયે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો. અતીન્દ્રિય આનંનો સ્વાદ આવે ત્યારે જાણવું કે રાગ ને આત્મા ભિન્ન પડી ગયા. આનું નામ સમ્યગ્દર્શન ને આનું નામ ધર્મ છે.
અહો ! ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શન થતાં જાણ્યું કે-આ આનંદસ્વરૂપ છે તે હું છું, રાગ હું નહિ; રાગની મારામાં નાસ્તિ છે. જ્ઞાનસ્વરૂપી આત્માનું જ્ઞાન થતાં પર્યામાં જ્ઞાન આવ્યું, રાગ આવ્યો નહિ, રાગ જ્ઞાનથી ભિન્ન પડી ગયો. આનું નામ ભેદજ્ઞાન છે. અહો! પુણ્યપાપરૂપ અશુચિથી ભિન્ન કરી પરમ પવિત્ર પ્રભુ આત્માને પ્રાપ્ત કરાવનારું ભેદજ્ઞાન કોઈ અલૌકિક છે. (૮-૪૦૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com