________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩
અધ્યાત્મ વૈભવ (૩૭૪) અહાહા.તું સર્વજ્ઞસ્વભાવી છો ને પ્રભુ! અહાહા ! તારું સ્વરૂપ જ જ્ઞ-સ્વભાવ સર્વજ્ઞસ્વભાવ છે. અહા ! એના જ્ઞાન-શ્રદ્ધાન કરે નહિ અને રાગને ભલો જાણી એમાં રોકાઈ રહે એ તો સ્વ-પરના ભેદવિજ્ઞાન માટે અયોગ્યતા છે. અહા ! આ રીતે અભવિ જીવ ભેદવિજ્ઞાન માટે સદાય અયોગ્ય છે.
(૮-૨૫૫ ) (૩૭૫ ) જુઓ, આ વ્યાપાર! આખો દિ' દુકાનના, ધંધાના, બાયડી-છોકરાં સાચવવાના ને ભોગના-એ તો બધા પાપના વ્યાપાર છે; અને દયા, દાન આદિ તથા બંધના વિચાર આદિમાં લાગ્યો રહે તે બધા પુણ્યના વ્યાપાર છે. અને પુણ્ય-પાપથી ભિન્ન અંદર શુદ્ધ ચૈતન્યમાં લાગ્યો રહે તે દ્વિધાકરણનો-ભેદજ્ઞાનનો વ્યાપાર છે. આત્માને રાગથી ભિન્ન કરવાનો આ વ્યાપારઉધમ ધર્મ છે, અને એવો ઉદ્યમ કરવાનો ભગવાન જિનેશ્વરનો હુકમ છે.
અહા! અબંધસ્વરૂપી આત્મા અને રાગનો બંધભાવ-એ બેને જુદે જુદા કરવાનો ભેદજ્ઞાન કરવાનો ભગવાનનો હુકમ છે. લ્યો, આ ભગવાનનો હુકમ! કે જોડ અને તોડ! એટલે શું? કે અનાદિથી રાગમાં જ્ઞાનને જોયું હતું ત્યાંથી તોડ અને જ્ઞાનને આત્મામાં જોડ. જુઓ આ ધર્મનું પહેલું પગથિયું એવા સમ્યગ્દર્શનની રીત.
(૮-૩૮૯) (૩૭૬) –ભગવતી પ્રજ્ઞા જ-એકલી જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ જ-છેદનાત્મક એટલે આત્મા અને વિકારને ભિન્ન પાડવાના સ્વભાવવાળું સાધન છે. જેમ લાકડામાં કરવત મૂકતાં બે કટકા થઈ જાય છે તેમ ભેદજ્ઞાનની બુદ્ધિ અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં અંતર-એકાગ્ર થયેલી જ્ઞાનની દશા આત્મા અને વિકારને-બન્નેને ભિન્ન કરી નાખે છે. અહા ! દેવ-ગુરુ શાસ્ત્ર પ્રત્યે ભક્તિવિનયનો રાગ ને પંચમહાવ્રતાદિનો રાગ એ બધો જે વ્યવહાર છે એનાથી ભગવાન આત્માને ભિન્ન પાડવાના સ્વભાવવાળું સાધન ભગવતી પ્રજ્ઞા જ છે અને તે આત્માથી અભિન્ન છે. આ પ્રમાણે આત્મા જ એટલે અંતર્મુખ વળેલી જ્ઞાનની પર્યાય જ કર્તા ને એ જ સાધન છે. ભાઈ ! આ તો મહાવિદેહમાં બિરાજમાન સાક્ષાત્ તીર્થકર સીમંધર ભગવાનની વાણીમાં આવેલી વાત છે.
પ્રશ્ન:-- પણ રાગ ને આત્મા જુદા-ભિન્ન જ છે એમ આપ કહો છો તો જુદા છે એમને જુદા શું પાડવા?
ઉત્તર- - હા, તેઓ જુદા જ છે, પણ એને જુદા માન્યા છે ક્યાં? બીજી ચીજ મારી છે એમ માન્યું છે. ભાઈ ! બગડે બે-એમ બીજી ચીજ મારી છે એમ માન્યું છે. એ મોટો બગાડ છે. શુભાશુભનું પરિણમન એ આત્મામાં બગાડ છે એને ભિન્ન કરવા પ્રજ્ઞા-જ્ઞાનની અનુભવ દશા એ એક જ સાધન છે.
(૮-૩૮૯)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com