________________
રામ બોલ્યા-હે,બ્રહ્મન,તમે કહી ગયા કે "એ દેવના જ્ઞાનથી મુક્તિ થાય છે"
તો એ દેવ ક્યાં રહે છે? અને મને તે દેવ ની પ્રાપ્તિ કેવી રીતે થાય? તે મને કહો.
વશિષ્ઠ બોલ્યા-મેં જે દેવ વિષે કહ્યું તે દેવ દૂર રહેતા નથી પણ સર્વદા શરીરમાં જ રહે છે.
"તે ચૈતન્ય -માત્ર છે." એમ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે.
સઘળું જગત એ દેવ-મય છે પણ એ દેવ સઘળા જગતમય નથી. એ દેવ સર્વમાં વ્યાપક છે,અને એક જ છે. એમનામાં જગતનો લેશ પણ નથી.બ્રહ્મા,વિષ્ણુ,મહેશ અને સૂર્ય-એ સર્વ પણ ચૈતન્ય માત્ર છે.
રામ બોલ્યા-બાળકો પણ કહે છે કે સર્વ ચૈતન્ય માત્ર છે,અને તમે પણ તેમ જ કહો છો, ત્યારે આ વાતમાં ઉપદેશ-પણું શું આવ્યું?
વશિષ્ઠ બોલ્યા-હે રામ,તમે જીવ" ને ચૈતન્ય રૂપ સમજી ને "જગત" ને તે -ચૈતન્ય રૂપ સમજ્યા છો. આથી હજી સંસારનો નાશ થાય એવી સાચી વાત કંઈ સમજ્યા જ નથી.
આ સંસાર-રૂપ "જીવ" તો પશુ (પ્રાણી) કહેવાય છે -તો શું તે -જીવ ચૈતન્ય-માત્ર "દેવ" હોઈ શકે ખરો?
એ "જીવ" તો દેહનું ગ્રહણ કરીને જરા તથા મરણ -આદિ અનેક ભયને ભોગવે છે. એ જીવ નિરાકાર હોવા છતાં અજ્ઞાન ને લીધે દુઃખ ના પાત્ર-રૂપ જ છે.તો તેને ચૈતન્ય માત્ર દેવ કેમ કહેવાય?
"જીવ" પોતે ચેતન-શક્તિવાળો હોવાથી અનર્થ-રૂપ મન ને જાગ્રત કરે છે,અને મન-રૂપ થઈને રહે છે, આથી તે દુઃખના પાત્ર-રૂપ જ છે.
વિષયો થી રહિત-પણું એટલે કે વિષયો થી દૂર રહેવા-પણું એ એ "જીવ" ની સંપૂર્ણ "સ્થિતિ" છે. અને તેને જાણવાથી મનુષ્ય ને શોક કરવો પડતો નથી પણ તે "કૃતાર્થ પણું" પ્રાપ્ત કરે છે.
જયારે સઘળાં "કારણો" ના "કારણ' એવા પરમ-સ્વ-રૂપ નો અનુભવ થાય છે
ત્યારે જડતા તથા ચૈતન્ય ના અધ્યાસ રૂપ ગાંઠ છૂટી જાય છે.સઘળા સંશયો છેડાઈ જાય છે, અને સઘળા કર્મો નો ક્ષય થઇ જાય છે,
જીવ જે "વિષયો" તરફ ખેંચાય છે-તે વિષયો" નો અભાવ કર્યા વિના તેને રોકી શકાય તેમ નથી. અનેપ્રત્યક્ષ દેખાતા વિષયોનો અભાવ "જ્ઞાન" વિના થઇ શકે એમ નથી જ. તો પછી જ્ઞાન થયા વિના મોક્ષ પણ ક્યાંથી થાય?
સમાધિ પણ "દૃશ્ય" (જગત) એવા વિષયો નો બાધ કરવાથી થાય છે તો
મોક્ષમાં "દૃશ્ય" વિષયો નો બાધ કરવાની આવશ્યકતા હોય તેમાં તો કહેવું જ શું?
રામ બોલ્યા-હૈ,બ્રહ્મન,નિરાકાર છતાં,પશુ જેવા અજ્ઞાની જે જીવ ને જાણવાથી સંસાર ટળતો નથી - તે જીવ ક્યાં રહે છે અને કેવો છે? વળી,સંસાર-રૂપી સમુદ્રમાંથી તારનાર પરમાત્મા -કે જેમહાત્માઓના તથા ઉત્તમ શાસ્ત્રોના સંગ થી જાણવામાં આવે છે તે ક્યાં છે અને કેવા છે તે તમે મને કહો.
વશિષ્ઠ બોલ્યા-ચેતન રૂપ-વાળા અને જન્મ-મરણ વગેરે જંગલમાં ભટકતા આ જીવ ને (શરીરને) જે "આત્મા" માને છે,તેઓ પંડિત છતાં મૂર્ખ છે.
જીવ (શરીર) ચેતન છતાં પણ સંસાર-રૂપ છે,અને દુઃખ ના સમૂહ-રૂપ જ છે. માટે એ (શરીર) ને જાણવાથી, કોઈ પણ "તત્વ" જાણવામાં આવ્યું હોય તેમ સમજવું જ નહિં.
81