________________
249
ફરવા માંડ્યું.પછી તે એક મહાટવી,માં આવ્યો, ત્યારે તેણે ધુમાડા-વાળા એક ભાગમાં-પોતે જ્યાં ચંડાળ બન્યો હતો તે ગામ જોયું.
ત્યાંના લોકો,બાળકો અને સ્ત્રીઓને પણ તેણે જોયાં. ત્યાં એકદમ તેણે પોતાની ચંડાળ દશાની જે સાસુ (આંખે કાણી) હતી તેં જોઈ, તેની આંખમાંથી આંસુની ધારા ચાલી જતી હતી.અંગ દુર્બળ થઇ ગઈ હતી,અને બીજી વૃદ્ધ સ્ત્રીઓ જોડે પુત્રીના શબ જોડે તે બેઠી હતી. અને પોતાની પુત્રીને જાણે - દુઃખભર્યા આર્તસ્વરથી વિલાપ કરીને કહેતી હતી કે
“તારા શરીર ની પાસે પુત્રો બેઠેલા છે, ત્રણ દિવસથી ભોજન ના મળવાથી તેમનું અંગ જર્જરિત થયું છે, હે મારી પુત્રી,તલવાર જેમ મ્યાનમાં પ્રવેશ કરે તેવી રીતે તારા જીવનમાં રાજાએ પ્રવેશ કર્યો પછી, તે તારા પતિએ કયા સ્થળે તારો ત્યાગ કર્યો? પુત્રથી પણ અધિક પ્રિય એવા મારા જમાઈને હું ફરીથી ક્યારે જોઇશ? હે, પુત્રી હું તારા માટે ખેદ કરું છું.ચંદ્ર જેવી કાંતિ-વાળા અને શુદ્ધ અંતઃપુર માં વિલાસ કરનારા, તે રાજા બીજી સ્ત્રીઓને ત્યાગીને તારી સાથે પ્રીતિ બાંધી -પણ તે સ્થિર રહી નહિ.અને તમે બંને એક જ સમયે નાશ પામ્યાં, હવે ધણી અને પુત્રી વિનાની–દૂર દેશમાં આવેલી આ દુર્ગતિ ને પામીને દુષ્ટ જાતિમાં ઉત્પન્ન થયેલી એવી હું,દુઃખ, ભય અને મહા આપત્તિ-રૂપ જ છું. ભૂખ થી હેરાન થતાં આ બાળકોની ભૂખ પણ હું મટાડી શકતી નથી.”
આ પ્રમાણે, તે વૃદ્ધ ચંડાળણી વિલાપ કરી રહી હતી ત્યારે રાજાએ ધીરજ આપીને પૂછ્યું કેઆ સ્થળે શું થયું હતું?તારી પુત્રી કોણ હતી ? તારો જમાઈ કોણ હતો? ત્યારે તેણે રાજાએ જે અનુભવ્યું હતું તે જ વાત કહી સંભળાવી.
(૧૨૧) લવણ-રાજાના મન નું સમાધાન
વશિષ્ઠ કહે છે કે એ પ્રમાણે ના તે ચંડાળણી નાં વચન સાંભળીને રાજા વિસ્મય પામ્યો,અને મંત્રીના મુખ સામે જોઈ રહ્યો અને જાણે ચિત્રમાં આલેખાયેલો હોય તેમ સ્તબ્ધ થઇ ગયો. ફરીથી તે આશ્ચર્ય-કારક ઘટનાનો વિચાર કરવા લાગ્યો અને ફરી ફરી પ્રશ્નો પૂછવા લાગ્યો. ત્યાર પછી,તે રાજાએ દયા કરીને તે ચંડાળ ગામમાં રહેતા પોતાના સ્વપ્ન ના) સંબંધીઓના દુઃખ નો નાશ કર્યો, અને ત્યાં કેટલોક સમય રહ્યા પછી પોતાના રાજ્યમાં પાછો ફર્યો.
બીજા દિવસે, સવારે સભામાં તેણે મને પ્રશ્ન કર્યો કે-હે મુનિ, મેં જે બાબત સ્વપ્નમાં જોયેલી હતી તે મારી પ્રત્યક્ષ જોવામાં આવી,તેથી મને ઘણું વિસ્મય થયું છે. ત્યારે મેં તેના હૃદયના સંશય નો નાશ કર્યો. હે,રામચંદ્રજી, આમ અવિદ્યા જ મોટા ભ્રમને કરનારી છે,અસત્ વસ્તુને સત્ અને સત વસ્તુને અસત્ કરે છે.
રામ કહે છે કે-હે, બ્રહ્મન, એ પ્રમાણે સ્વપ્નમાં જોયેલી બાબત સાચી હોય તેવી રીતે જોવામાં આવી, તેનું શું કારણ? તે મને કહો.કારણકે આ સંશય મારા મનમાંથી પણ મટતો નથી.
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,અવિદ્યામાં સર્વ વસ્તુનો સંભવ છે. સ્વપ્ન માં અવિદ્યા ને લીધે ઘટમાં પણ પટ (વસ્ત્ર) ની બુદ્ધિ થાય છે. અવિદ્યાને લીધે, અરીસામાં રહેલા પર્વત ની જેમ,દુરની વસ્તુ પણ પાસે દેખાય છે.અને જેમ,સુખે નિંદ્રા આવવાથી જેમ લાંબી રાત્રિ એ ક્ષણવારમાં ચાલી જાય છે, તેમ,અવિદ્યાને લીધે લાંબો વખત પણ ક્ષણવારમાં વહી જાય છે. જેમ સ્વપ્ન માં પોતાનું મરણ થાય છે કે આકાશમાં ગમન થાય છે, તેમ,અવિદ્યાને લીધે અસંભવ વસ્તુ સંભવિત થાય છે ના એઅસત્ય વસ્તુ સત્ય લાગે છે.