________________
214
જેવો જેનો સ્વભાવ-તે પ્રમાણે બુદ્ધિ રાખીને-તેમાંની ઈચ્છામાં આવે તે રીતે-મન,બુદ્ધિ અને ઇન્દ્રિયો વગેરેના વિચિત્ર નામથી ભેદો કહેલા છે. --જીવ થી ભિન્ન જે પ્રકૃતિ છે, તેને કેટલાક મન કહે છે. --કેટલાક અહંકૃતિ કહે છે તો કેટલાક બુદ્ધિ કહે છે.
હે, રઘુનંદન,અહંકાર,મન,બુદ્ધિ વગેરે સૃષ્ટિની “કલ્પના” છે, તથા તે એક-રૂપ જ છે, તેમ છતાં, ન્યાય-મત-વાળા,સાંખ્ય-મત-વાળા, ચાર્વાક-મત-વાળા,જૈમિની મત-વાળા-વગેરે જુદા જુદા મત-વાળાઓએ, તેમની પોતાની બુદ્ધિ પ્રમાણે જુદીજુદી કલ્પનાઓ કરી છે.
એક નગરમાં જવાના જુદાજુદા માર્ગો હોય છે પણ તે સર્વે માર્ગો થી તે નગરમાં જઈ શકાય તેમ, સર્વ કલ્પના થી એક પારમાર્થિક પદે પહોંચવું એ જ સર્વનો ઉદ્દેશ છે. અને તે પરમ-પદમાં સર્વ ની એકતા છે.પણ પરમ-અર્થ ના અજ્ઞાનથી અને વિપરીત બોધને લીધે, તે મત-વાદીઓ માત્ર વિવાદ કરે છે,અને વટેમાર્ગ જેમ નગરમાં જવાના જુદાજુદા માર્ગમાં થી જે માર્ગ પોતાને ગમતો હોય તેના જ વખાણ કરે છે, તેમ જુદા જુદા મતવાદીઓ પોતપોતાના મત ના વખાણ કરે છે.
પણ,તે સર્વ નો મત મિથ્યા છે, કારણકે-કર્મમાર્ગ માં પ્રીતિ હોવાથી પોતાના કલ્પના ના અર્થથી, તેઓએ વિચિત્ર યુક્તિઓ કરેલી છે.અને ખરું જોતાં તે માત્ર મનનો વિલાસ જ છે. જેમ મનુષ્ય જેવું કામ (ક્રિયા)કરતો હોય તેવું તેનું નામ પડે છે, તેમ આ મનની જુદીજુદી ક્રિયાના ભેદથી,તે વિચિત્રતાને (વિચિત્ર નામોને) પામે છે. વિવિધ કાર્યો કરવાને પરિણામે એ મન-જીવ,વાસના અને કર્મ-વગેરે નામરૂપી અને ભેદ વાળું થાય છે. જે સર્વ અનુભવ થાય છે તે માત્ર ચિત્ત નો છે.અને ચિત્ત વિનાનો માણસ-જો- જુએ છે તો પણ જોતો નથી. સાંભળવાનો સ્પર્શ કરવાનો,જોવાનો,ભોજન કરવાનો અને સુંઘવાનો જે હર્ષ કે શોક થાયતે મન-વાળા મનુષ્ય ને જ થાય છે.
જેમ પ્રકાશ છે એ જ રૂપ નું કારણ છે, તેમ મન એ જ પદાર્થો નું કારણ છે. જે મનુષ્ય નું મન (વાસનાથી) બંધાયું છે તેને બંધન થાય છે અને જેનું મન (વાસના-રહિત) છે તેની મુક્તિ થાય છે. જડ બુદ્ધિવાળો મનુષ્ય મન ને પણ જડ માને છે, અને ચૈતન્ય-વાન મનુષ્ય મન ને ચૈતન્ય-સ્વરૂપ માને છે. પણ વસ્તુતઃ મન જડ નથી કે ચેતન પણ નથી. વિચિત્ર સુખ-દુઃખ ની ચેષ્ટા વાળું ઉદભવેલું આ જગત મનમાંથી જ ઉઠેલું છે.
“એક-રૂપ-મન” માં આખા સંસારનો લય થઇ જાય છે. અજ્ઞાન વડે ચિત્ત જયારે મલિન થાય છે, ત્યારે ભ્રાંતિથી આ સંસારના કારણ-રૂપ મન વડે આ જગત ઉત્પન્ન થાય છે.માટે,હે રામ,મનને અજબ-પથ્થર જેવું માનીએ તો તે સંસારનું કારણ ના હોઈ શકે.અને-એટલા માટે, જેવી રીતે આ જગતમાં રૂપનું કારણ એ પ્રકાશ છે,તેમ મન એ જડ પણ નથી કે ચેતન પણ નથી. છતાં તે જ પદાર્થ નું કારણ છે, અને તેના વિના આ જગત નથી કારણકે ચિત્ત નો લય થવાથી આ જગતનો લય થઇ જાય છે.
કાળ (સમય) એક જ છે પણ ઋતુ-ઋતુ ને લીધે જેમ તેનાં જુદાંજુદા નામ (વસંતઋતુ-વગેરે)પડે છે, તેમ, મન ના કર્મને લીધે જુદાંજુદા નામ પડે છે. કદાચ કોઈ વિચારે કે-મન વિના (મન વગર) -માત્ર અહંકાર-વગેરેની ક્રિયા શરીર ને ક્ષોભ કરતી હોય, પણ તેમ થતું નથી, કારણકે જેને મન ના હોય તેને પણ ક્ષોભ થવો જોઈએ. માટે મન વિના બીજી કોઈ "શક્તિ" નથી તે સિદ્ધ થાય છે.