________________
173
(૭૦) કર્કટીનું સુચી (સોય)-રૂપ થવું તથા તેનાં કર્મોનું વર્ણન
વશિષ્ઠ કહે છે કે ત્યાર પછી તે રાક્ષસી ધીમે ધીમે પાતળી (આછી) થવા માંડી. તે પ્રથમ વાદળાં ના આકારની થઇ,પછી વૃક્ષની શાખા જેવડી થઇ.પછી પુરુષના જેવડી,પછી, હાથ જેવડી,પછી આંગળી જેવડી,પછી અડદની શિંગ જેવડી અને છેવટે સોય જેવડી થઇ ગઈ. અને ત્યાર પછી કમળ ના કેસરા જેવી ઝીણી અને સુંદર સોય બની ગઈ.
એ રાક્ષસી સૂક્ષ્મ-સૂચી-રૂપે “આયસી” (લોઢા ની સોય જેવી) અને જીવ-સૂચી-રૂપે “અનાયસી” (રોગ-રૂપી) થઇ.તે સૂચિકા (રાક્ષસી) એ અષ્ટક (મહાભૂત,કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો,પ્રાણ,અંતઃકરણ,અવિદ્યા,કામ,કર્મ) વડે ચાલતી હતી,વળી,આકાશમાં પણ વાસ અને ગમન કરતી હતી. તે સૂચી (સોય) રૂપે દેખાય છે પણ તેનામાં લોઢાનું નામ નથી.તેથી, સંસાર-રૂપી ભ્રાંતિમાં રહેલી આ સુચી (સોય-રૂપી-રાક્ષસી) પણ એક ભ્રાંતિ (માયા કે વાસના?) જ છે.
બ્રહ્મા ના વરદાનથી તે રાક્ષસી નું "સૂક્ષ્મ-રૂપ” થયું હતું,અને આ નવા-રૂપ ની શાંતિ માટે તેણે મૌન-વ્રત ધારણ કર્યું. તેનું સૂક્ષ્મ શરીર પ્રત્યક્ષ દેખાતું નહોતું,એટલેકે આકાશ-પણા ને પામેલું હતું, તે રૂપ દૂરદૂરથી, દીવાના જેવો પ્રકાશ પામતું હતું.ઇચ્છિત દેહ પામ્યાથી પ્રસન્ન થયેલી તે રાક્ષસી મોઢાથી જાણે આકાશનું વમન કરતી હોય તેમ જણાતી હતી. વિસ્તાર પામેલા દીવા ના કિરણ” જેવી તે કોમળ હતી, એટલે અર્ધ-મીંચી આંખથી જ દેખાય તેવી હતી.
પુષ્પ ના કેસરા માંથી જાણે તંતુ ઉડ્યો હોય-અથવા-બહાર ફરવાના કૌતુકથી જાણે સુષુણા-નાડી –એ બ્રહ્મરંધ્ર માંથી નીકળી સૂર્યમંડળમાં ઉંચી જતી હોય તેમ તે જણાતી હતી. નિયત ઇન્દ્રિયોની શક્તિવાળી તે રાક્ષસી “લિંગ-દેહ” થી બહાર જણાતી હતી,અને કોઈના જાણવામાં આવતી ન હતી.તે અત્યંત અલક્ષ્ય હોવાથી શૂન્ય-વાદ ને ઉત્પન્ન કરનારી હતી,આકાશના જેવો તેનો વર્ણ હતો અને તે કંઈ બોલતી નહોતી.
અદૃશ્ય તથા જીવવાળા (બે પ્રકારના) સોય (સૂચી) ના સ્વરૂપમાં તે રહેલી હતી. જેમ,હોલવાયેલા દીવાની આંચ જેમ જોવામાં આવતી નથી, તેમ છતાં તેણે સ્પર્શ કરવાથી તાપ લાગે છે, તેમ,તે અદૃશ્ય હતી તોપણ અતિ તીક્ષ્ણ હતી.તે “ચિદાભાસ” ને દબાણ કરવાના ધર્મ વાળી છે.અને તેનું “તત્વ” એ “વાસના” માત્ર છે.
આ પ્રમાણે તે રાક્ષસીએ આખા જગતને ગળી જવા “સોય” ના રૂપ નો અંગીકાર કર્યો !! પણ તેનું રૂપ સૂક્ષ્મ હોવાથી તે જગતને ગળવા સમર્થ થઇ શકી નહિ. અહો, તેની મૂર્ખતા તો જુઓ, તેણે મનથી જગતને ગળી જવાની ઈચ્છા કરી હતી પણ “સૂક્ષ્મ-રૂપ” નો વિચાર કર્યો નહોતો!! આમ કેવળ “સંકલ્પ” ને જ જોતી અને અનર્થ માં બુદ્ધિવાળી તે રાક્ષસી નું તપ નિરર્થક થયું.
જે મનુષ્યની બુદ્ધિ અનર્થમાં હોય તેણે પૂર્વાપરનો (ભવિષ્યનો) વિચાર ઉત્પન્ન થતો નથી, પ્રિય પદાર્થમાં તલ્લીન થયેલું ચિત્ત, તે પદાર્થ ને પામવાના દૃઢ પ્રયત્ન ને કારણે (ખોટી ભાવનાને લીધે) તે વિપરીત “ભાવ” ને પામે છે અને તેને “પછી નો” (પછી શું થશે? તેવો) વિચાર સૂઝતો નથી.
કર્કટી રાક્ષસીએ “જગતને ગળી જવા રૂપી” પોતાનો મનોરથ સિદ્ધ કરવા સારું,પોતાના “મોટા શરીર” નો ત્યાગ કર્યો,અને “સૂચી શરીર"(સોય જેવા નાના) શરીરનો અંગીકાર કર્યો!! તેણે સ્વાર્થની સિદ્ધિ માટે મરણ નું મહાદુઃખ પણ મહાસુખ-રૂપ માન્યું!! સંતોષ માન્યો !! એક વસ્તુ પર અતિ-પ્રીતિ કરનાર મનુષ્ય ને બીજી વસ્તુ માં ભાન રહેતું નથી, અને તે એક વસ્તુ ની અતિ ઈચ્છા રાખનાર મનુષ્ય ને તેમાં ભલે તેનો નાશ થતો હોય તો પણ તે તેને તે સુખ-રૂપ માને છે.