________________
(૧૫) અહંકાર ની નિંદા
રામ કહે છે-કે-આ અહંકાર-રૂપી દુષ્ટ શત્રુ થી હું ભય પામું છું. આ અહંકાર કે જે “મોહ” ને લીધે વૃથા (ખોટો-નકામો) ઉત્પન્ન થયો છે,ને નિરર્થક વધતો જ જાય છે. રાગ-દ્વેષ ના દોષરૂપ-વિવિધ આકારવાળો સંસાર ,વિપત્તિઓ, દુષ્ટ ચિંતાઓ,અને નીચ (ખરાબ) ક્રિયાઓઆ અહંકાર થી જ થાય છે. માટે આ અહંકાર જ મારો રોગ છે.
હે મુનિ,આ અહંકાર મારો લાંબા કાળ નો વેરી છે, તેના લીધે જ,હું ખાતો નથી,પીતો નથી અને તો પછી, સંસાર ના ભોગો ને તો કેમ ભોગવું? આ અહંકાર,પારધી ની જેમ મન-મોહક જાળ પાથરે છે,જેમાં ફસાઈને મોટાં વિષમ દુઃખો પેદા થાય છે. હે ભગવન,જો મને “હું છું “એવું “હું” નું અભિમાન થાય છે, તો હું આપદાઓથી દુઃખી થાઉં છું, અને જો એ અભિમાન હોતું નથી તો હું સુખી થાઉં છું, એટલા માટે “નિરહંકાર-પણું' જ શ્રેષ્ઠ છે.
હે,મુનિ,હું ‘નિરહંકાર’ વૃત્તિમાં છું અને છતાં પણ મૂર્ખતાને લીધે હું તેને વિવેકની દૃઢતા થી રાખતો નથી, અને શોક થી પીડાયા કરું છું, તો આપને જે કંઈ યોગ્ય જણાય તે મને કહો.
(૧૬) ચિત્તદોષ નું વર્ણન
રામ કહે છે કે સારાં કાર્યોને અને સત્સંગ ને છોડી દેવાથી, ચંચળ ચિત્ત (મન) રાગ-દ્વેષ-વગેરે જેવા રોગો થી જર્જરિત (ક્ષીણ) થઇ જાય છે.અને -તે ચિત્ત (મન) વિષયોની અંદર ભમ્યા કરે છે. જેમ નાનું પીંછું વાયુ ની અંદર ભમ્યા કરે છે તેમ) -તે ચિત્ત અત્યંત રાંક(ગરીબ) અને વ્યગ્ર (દુઃખી) થઈને નિરર્થક (ગામના કુતરાની પેઠે)
આમતેમ દૂરદૂર દોટ મુક્યા કરે છે. -તે ચિત્તને ક્યાંય કંઈ પણ ગમતું નથી,ક્યાંક તેને ઘણું ધન મળે તો પણ જેમ વાંસનો કરંડિયો પાણીથી
ભરાતો નથી તેમ તે ચિત્ત ઘણા ધનથી પણ ભરાતું નથી. -“શૂન્ય” અને “સર્વદા દુષ્ટ આશા-રૂપી જાળથી વીંટળાયેલું “મન (ટોળામાંથી વિખુટા પડેલા મૃગ ની જેમ) વિશ્રાંતિ પામતું નથી, -તરંગ જેવી ચપળ-વૃત્તિ-વાળું મન,ક્ષણ-માત્ર પણ હૃદયમાં સ્થિત થતું નથી,અને -વિષયોના ચિંતન થી ક્ષોભ પામેલું,એ મન દશે દિશામાં દોડાદોડ કરે છે.
હે મુનિ,ભોગ મેળવવાના ઉત્સાહ-રૂપ,એ મન-રૂપી મહાસાગરના ડૂબાડી દે તેવા (મનના) તરંગો ને રોકવા હું સમર્થ નથી.જેમ સમુદ્ર પોતાના ચંચળ-પણાને છોડતો નથી, તેમ મારું મન તેના “અવ્યવસ્થિત-પણાને” કદી છોડતું નથી.ને પોતાની ચંચળ વૃત્તિ ને લીધે જંપીને બેસતું નથી.
“મોહ-રૂપી” રથમાં ચડીને બેસી ગયેલું તે મન “સમતા-રૂપ” – સુખ-ને ખેંચી લે છે.વળી “અહંતા-મમતા-રૂપી” અને “તૃષ્ણા-રૂપી” મજબૂત દોરીથી મારું ચિત્ત બંધાઈ ગયું છે, અને નરકમાં પડવા,તથા ઘણા જન્મોના ચક્કરમાં ફેરવવા,સંસાર-સમુદ્રમાં દૂર સુધી ખેંચી જાય છે. હું આ સંસાર-સમુદ્રને તરી જવાની નિત્ય ઉત્કંઠા રાખું છું, છતાં દુષ્ટ ચિત્ત મને રોકી રાખે છે.અને “વિષયો” મળતાં જ તે ચિત્ત –મારા ઘણા દિવસોથી માંડેલા શુભ કાર્ય ને –છોડાવી દે છે.
આ ચિત્ત નો (મનનો) નિગ્રહ કરવો અતિ કઠિન છે, કારણ કે-તે ચિત્ત જ “વિષયો” ના “કારણ-રૂપ” છે. -ચિત્ત હોય તો જ જગત છે,અને ચિત્ત ક્ષીણ થાય તો જગત ક્ષીણ થાય છે.