________________
દેવી કહે છે કે-હે,લીલા,જે જાણવાનું હતું તે સઘળું તારા જાણવામાં આવ્યું છે,અને જે જોવાનું છે તે જોવાઈ ચૂક્યું છે,આ "બ્રહ્મ ની સતા" એવા પ્રકાર ની જ છે.હવે તારે બીજું કંઈ પૂછવાનું છે?
લીલા કહે છે કે-મારા મરી ગયેલા પતિ -પદ્મરાજા-નો જીવ (વિદુરથ રાજા) અત્યારે જે સ્થળમાં રાજ્ય કરે છે, તે સ્થળમાં હું જયારે ગઈ હતી,ત્યારે તે સ્થળમાં લોકોએ મને કેમ દીઠી નહિ?
અને અહીં આગળ મારા પૂર્વ જન્મ ના પુત્ર-જયેષ્ઠશર્માએ -મને કેમ દીઠી?
દેવી કહે છે કે-હે,સુંદરી,તે સમયે તને અભ્યાસ નહોતો,તેથી તારો "દ્વૈત" નો નિશ્ચય સંપૂર્ણ-પણે અસ્ત પામ્યો નહોતો.જે પોતે "અદ્વૈત-પણા ને પ્રાપ્ત થયો નથી,તેણે સત્ય-સંકલ્પ આદિ અદ્વૈત ની ક્રિયાઓ પ્રાપ્ત નથી.
જે મનુષ્ય તડકામાં ઉભો હોય તેણે ઠંડક નો અનુભવ ક્યાંથી થાય?
તે સમયે તને અભ્યાસ નહિ હોવાથી,"હું લીલા છું" એવી ભાવના ટળી નહોતી,તેથી તારામાં "સત્ય-સંકલ્પ-પણું" હતું નહિ પણ હમણાં તું સત્ય-સંકલ્પ થઇ છે,તેથી
"મારો પુત્ર મને દેખે" એવો તારો સંકલ્પ સત્ય થયો.
પણ હવે તું ફરીથી તું તે પતિ (વિદુરથ રાજા) આગળ જઈશ તો અહીં થયો તેવો જ વ્યવહાર પ્રતીત થશે.
લીલા કહે છે કે-આ ઘરના "આકાશ" માં જ મારો પતિ "વશિષ્ઠ બ્રાહ્મણ" હતો,
એ મરણ પામીને અહીં (આ આકાશમાં જ) "પદ્મરાજા" થયો હતો.
આ આકાશમાં જ બીજી પૃથ્વી પર, (આકાશ એનું એ જ હતું) તે પદ્મરાજા નો સંસાર અને રાજધાની છે, અને તે રાજધાની માં હું પદ્મરાજ ની રાણી "લીલા" હતી.
અહીં અંતઃપુર માં (આ આકાશમાં જ) આ મંડપમાં મારો પતિ પદ્મરાજા મરી ગયો,અને
મરી જઈને આ ક્ષમાં જ બીજી પૃથ્વી પર (બીજા નગરમાં-આકાશ તો એનું એજ રહે છે) ત્યાં તે વિદુરથ રાજા થયો છે.
આ પ્રમાણે "બ્રહ્મ-ચૈતન્ય" નો સઘળો વિવર્ત -"ક્ષણ-માત્રમાં" એ "આકાશ" માં જ થયો છે.
હું ધારું છું કે-જેમ,દાબડા માં સરસવ ના સમુહો રહે છે તેમ,આ ઘરના આકાશમાં જ સઘળાં બ્રહ્માંડો રહ્યા છે. તો,એ મારા (નવા) પતિ (વિદુરથ રાજા) નો દેશ અહીં નજીકમાં જ હશે,તો હું એ દેશ ને જોઈ શકું તેમ કરો.
દેવી કહે છે કે-હે, પુત્રી,તારા અનેક જન્મો થઇ ગયા છે,તેમાંના ત્રણ (પતિઓ) તો તેં હમણાં જ થઇ ગયેલા જોયા,પહેલો,વશિષ્ઠ બ્રાહ્મણ -ભસ્મ થઇ ગયો છે,પદ્મરાજા શબ થઇ ને પુષ્પ માં પડ્યો છે,અને ત્રીજો વિદુરથ રાજા હમણાં આ સંસાર-મંડળ માં રાજ્ય કરે છે.
આવા તો તારા અનેક જન્મ ના અનેક પતિઓ થઇ ગયા,તો તેમાંના કયા પતિ પાસે હું લઇ જાઉં તે તું કહે.
હે પુત્રી એ જગતનો સંસાર,એ બ્રહ્માંડ-રૂપી મંડળ,અને તેમાં થતી વ્યવહારો ની પરંપરાઓ -જુદી છે. જો કે,ચૈતન્ય-દૃષ્ટિ થી,એ સઘળાં-સંસાર-મંડળો અહીં પડખામાં જ છે,તો પણ,
લૌકિક દ્રષ્ટિએ-તેઓ વચ્ચે કરોડો યોજનનું અંતર છે.
છતાં તેમનું વાસ્તવિક સ્વરૂપ તો "ચિદાકાશ-માત્ર" છે. એમ જાણી લે.
જેમ,સૂર્ય ની પ્રભામાંથી -અનેક ત્રસરેણુઓ સ્ફૂરે છે.તેમ પરમચૈતન્ય ના પરમાણુ માંથી અનેક બ્રહ્માંડો અવિચ્છિન્ન રીતે સ્ફૂરે છે.આ જે પરમ ચૈતન્ય છે,તે પોતાનામાં જ આ જગત રૂપે સ્ફૂરે છે. કારણકે,પૃથ્વી-વગેરે કોઈ પણ વસ્તુઓ સ્રષ્ટિ ના આરંભ માં મુદ્દલે ઉત્પન્ન થઇ જ નથી.
122