________________
સાધક સહચરી
जहा गेहे पलित्तम्मि, तस्स गेहस्स जो पहू। सारभण्डाणि नीणेइ, असारं अवउज्जइ ॥२०॥ નિજ ઘર બળે જ્યારે ત્યારે તે ઘરનો ધણી; મૂલ્યવાન પદાર્થને સૌથી પ્રથમ કાઢશે. ૨૦
જયારે ઘર બળતું હોય ત્યારે તે ઘરનો ધણી અસાર વસ્તુઓને છોડી પહેલાં બહુ મૂલ્યવાળી વસ્તુઓ જ કાઢી લે છે.
ઉ. ૧૯ : ૨૨ एवं लोए पलित्तम्मि, जराए मरणेण य । अप्पाणं तारइस्सामि, तुब्भेहि अणुमनिओ ॥ २१ ॥ જરા ને મૃત્યુથી તેમ આ બધું સળગે જગતું; તેમાંથી સર્વ આત્માનું ઉગારી લે સુસાધક. ૨૧
તેમ આ આખો લોક જરા અને મરણથી બળી રહ્યો છે. તેમાંથી તુચ્છ એવા કામભોગોને તજીને કેવળ આત્મસત્ત્વને જ સાધક ઉગારી લે છે.
ઉ. ૧૯ : ૨૩ जहाहिअग्गी जलणं नमसे, नाणाहुईमंतपयाभिसित्तं । एबायरिअं उवचिट्ठइज्जा, अणंतनाणावगओ वि संतो ॥ २२ ॥
અગ્નિહોત્રી નમી હોમે અગ્નિમાં મંત્ર આહૂતિ; તેમ ગુરુ તણી ભક્તિ પૂર્ણ જ્ઞાની કરે મુનિ. ૨૨
જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ ભિન્ન ભિન્ન પ્રકારની ઘી, મધ ઇત્યાદિ આહૂતિઓ અગ્નિમાં હોમી તથા વેદના મંત્રપદો બોલીને નમસ્કાર કરે છે તેમ અનંતજ્ઞાનને પામવા છતાં તે સાધક ગુરુની સેવાભક્તિ કરે.
દશ. ૯ : ઉ. ૧ : ૧૧