________________
૨૪૮
ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : અહીં મણિના ભેદો અઢાર બતાવ્યા છે પરંતુ ચૌદ ગણીને જ ઉપરના ૩૬ પ્રકારો છે.
૭૭. એ પ્રમાણે કર્કશ પૃથ્વીના છત્રીસ ભેદો કહ્યા. સૂક્ષ્મ પૃથ્વીના જીવો તે એક જ પ્રકારના છે. ભિન્ન ભિન્ન નથી. અને તે દ્રષ્ટિગોચર પણ થતા નથી. - ૭૮. ક્ષેત્રની અપેક્ષાએ સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવો તો આખા લોકમાં વ્યાપાત છે અને સ્થૂળ પૃથ્વીકાયના જીવો આ લોકના અમુક ભાગમાં છે. હવે તેઓના ચાર પ્રકારના કાળવિભાગને કહું છું –
૭૯. સૂક્ષ્મ અને સ્થળ પૃથ્વીકાયના જીવ પ્રવાહની અપેક્ષાએ તો તે જીવો અનાદિ અને અનંત છે, પણ એક એક જીવના આયુષ્યની અપેક્ષાએ તો આદિસહિત અને અંતસહિત છે.
૮૦. સ્થૂળ પૃથ્વીકાયના જીવોની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની છે.
૮૧. પૃથ્વીકાયમાંથી મરીને વળી પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તેને કાયસ્થિતિ કહેવાય છે. સ્થૂળ પૃથ્વીકાયના જીવોની કાયસ્થિતિ ઓછામાં ઓછી અંતમુહૂર્ત કાળની અને વધુમાં વધુ અસંખ્યાત કાળની હોય છે.
૮૨. પૃથ્વીકાયના જીવો પોતાની પૃથ્વીકાયને છોડીને ફરીથી તે કાયા પામે તેની વચ્ચેનું અંતર જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે.
૮૩. (ભાવની અપેક્ષાઓ તેને વર્ણવે છે) એ પૃથ્વીકાય જીવોના વર્ણ ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે.
૮૪. જળકાયના જીવો સૂક્ષ્મ અને સ્થળ એમ બે પ્રકારના હોય છે અને તે બંનેના પ્રર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદો છે.
૮૫. જે સ્થળપર્યાપ્ત જીવો છે તે પાંચ પ્રકારના છે. ૧. મેઘનું પાણી, ૨. સમુદ્રનું પાણી, ૩. તરણા ઉપર રહેલું બિંદુ (ઓસબિંદુ વગેરે) ૪. ધુંવરનું પાણી અને ૫. હિમનું પાણી.
૮૬. સૂક્ષ્મ જળકાયનો એક જ ભેદ છે. ભિન્ન ભિન્ન નથી. સૂક્ષ્મ જળકાય જીવો સર્વલોકમાં વ્યાપી રહ્યા છે અને સ્થૂળ તો લોકના અમુક ભાગમાં જ છે.
૮૭. પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે અને એક એક જીવના આયુષ્યની અપેક્ષાએ આદિ અને અંતસાહિત છે.