________________
રથનેમીય
૧૩૯
૮. (જ્યારે કૃષ્ણમહારાજાએ તેની માગણી કરી ત્યારે) તેના પિતાજીએ વિપુલ સમૃદ્ધિવાળા વાસુદેવને કહી મોકલાવ્યું કે તે કુમારશ્રી (નેમિનાથ) અહીં પરણવા પધારે તો હું કન્યા (અવશ્ય) આપી શકું.
નોંધ : તે વખતે ક્ષત્રિયકુળોમાં કન્યાનાં સ્નેહીજનો કન્યાને સાથે લઈ વરરાજાને સ્થાને આવતાં અને ત્યાં મંડપ રચી મોટી ધામધૂમથી લગ્ન કરતાં અને કેટલાંક કુટુંબોમાં વરરાજાને બદલે તેમનું (તલવાર વગેરે) ચિહ્ન મોકલી કન્યાને તેની સાથે પરણાવી લાવતા, તેથી જ અહીં ઉગ્રસેને આ નવી માગણી કરી હોય તેવું જણાય છે.
૯. નેમિરાજને ઉચિત દિવસે ઉત્તમ પ્રકારની ઔષધિઓથી સ્નાન કરાવ્યું અને કરેલાં મંગળ કાર્યો સાથે કપાળમાં મંગળ તિલક પણ કરાવ્યું. ઉત્તમ પ્રકારનાં વસ્ત્રો પહેરાવ્યાં અને તેમને હાર વગેરે ઉત્તમ પ્રકારના અલંકારોથી વિભૂષિત કર્યા.
૧૦. વાસુદેવ રાજાના (૪૨ લાખ હાથીઓમાં) સૌથી મોટા મદોન્મત ગંધહસ્તી પર તે આરૂઢ થયા અને જેમ મસ્તક પર ચૂડામણિ શોભે તેમ શોભવા લાગ્યા.
૧૧. તેના ઉપર ઉત્તમ છત્ર અને બે ચામરો ઢોળાઈ રહ્યાં હતાં, અને તે દશ દશાર્હ વગેરે સર્વ યાદવોના પરિવારથી ચારે બાજુ વીંટળાઈ રહ્યા
હતા.
૧૨. તેની સાથે હસ્તી, ઘોડા, રથ અને પાયદળ એમ ચાર પ્રકારની સુવ્યવસ્થિત શણગારેલી સેના હતી. અને તે સમયે ભિન્નભિન્ન વાજિંત્રોનો દિવ્ય અને ગગનસ્પર્શી અવાજે આકાશ ગજાવી મૂક્યું હતું.
૧૩. આવી સર્વોત્તમ સમૃદ્ધિ અને શરીરની ઉત્તમ કાન્તિથી ઓપતા તે યાદવકુળના આભૂષણરૂપ નેમિશ્વર પોતાના ભુવનથી (પરણવા માટે) બહાર નીકળ્યા.
૧૪. પોતાના શ્વગૃહે લગ્નમંડપમાં પહોંચે તે પહેલાં જ રસ્તામાં જતાં જતાં વાડામાં અને પાંજરામાં પુરાયેલાં, દુ:ખિત અને મરણના ભયથી ત્રાસ પામેલાં પ્રાણીઓને તેણે નજરોનજર જોયાં.
નોંધ : આ પ્રાણીઓ લગ્ન નિમિત્તે ભોજન માટે રાખવામાં આવ્યાં હતાં કારણ કે તે વખતે કેટલાક ક્ષત્રિય રાજાઓ કે જે જૈન ધર્મને પામી શક્યા ન હતા તે આવી અનર્થ હિંસા કરતા હતા.