________________
ઉત્તરાધ્યયન સૂત્ર
નોંધ : કિંપાક વૃક્ષનાં ફળ જોવામાં રમણીય અને ખાવામાં તો અતિ મધુર હોય છે પરંતુ ખાધા પછી થોડી જ વારમાં મૃત્યુ નિપજાવી દે છે. ૧૮. (વળી હે માતાપિતા !) જે મુસાફર અટવી જેવા લાંબા માર્ગમાં ભાતું લીધા વિના પ્રયાણ કરે છે તે રસ્તે જતાં ક્ષુધા અને તૃષાથી ખૂબ પીડાય છે અને દુ:ખી થાય છે.
૧૯. તે જ પ્રમાણે જે ધર્મને આદર્યા વિના પરભવ (પરલોક)માં જાય છે, તે ત્યાં જઈ અનેક પ્રકારના રોગો અને ઉપાધિઓથી પીડાય છે.
નોંધ : આ સંસાર અટવી છે, જીવ મુસાફર છે અને ધર્મ ભાતું છે. જો ધર્મરૂપી ભાતું હોય તો જ જે ગતિ પામે ત્યાં તે શાંતિ મેળવી શકે છે. અને એમ સંસારરૂપી આખી અટવી સુખેથી પસાર કરી શકે છે.
૨૦. જે મુસાફર અટવી જેવા લાંબા માર્ગમાં ભાતું લઈને પ્રયાણ કરે છે તે ક્ષુધા અને તૃષાથી રહિત થઈ સુખી થાય છે.
૨૧. તે પ્રમાણે જે સાચા ધર્મનું પાલન કરીને પરભવમાં જાય છે તે ત્યાં હળુકર્મી (અલ્પકર્મી) અને અરોગી થઈ સુખી થાય છે.
૨૨. વળી હે માતાપિતા ! ઘર બળતું હોય ત્યારે તે ઘરનો ધણી અસાર વસ્તુઓને છોડી પહેલાં બહુ મૂલ્યવાળી વસ્તુઓ જ કાઢી લે છે.
૨૩. તેમ આ આખો લોક જરા અને મરણથી બળી જળી રહ્યો છે. આપ મને આજ્ઞા આપો તો તેમાંથી (તુચ્છ એવા કામભોગોને તજીને) કેવળ મારા આત્માને જ ઉગારી લઈશ.
૧૧૬
૨૪. (તરુણ પુત્રની તાલાવેલી જોઈ તેને) માતાપિતાએ કહ્યું : હે પુત્ર ! સાધુપણું (ચારિત્ર લેવું) એ કઠણ છે. સાધુપુરુષે હજારો ગુણોને ધારણ કરવા પડે છે.
નોંધ ઃ સાચા સાધુજીને દોષો દૂર કરી હજારો ગુણોનો વિકાસ કરવો પડે છે. ૨૫. જીવનપર્યંત જગતના જીવમાત્ર પર સમભાવ રાખવો પડે છે. શત્રુ અને મિત્ર બંનેને સમાન દ્રષ્ટિથી જોવાના હોય છે અને હાલતાંચાલતાં, ખાતા એમ પ્રત્યેક ક્રિયામાં થતી સૂક્ષ્મ હિંસાથી પણ વિસ્મરવું પડે છે. તેવી સ્થિતિ ખરેખર સૌ કોઈને માટે દુર્લભ છે.
૨૬. સાધુજીને આખા જીવન સુધી ભૂલેચૂકે પણ અસત્ય બોલવાનું હોતું નથી. સતત અપ્રમત્ત (સાવધાન) રહીને હિતકારી છતાં સત્ય બોલવું એ બહુ બહુ કઠણ છે.