________________
સંયતીય
૧૦૩
અધ્યયન : અઢારમું સંયતીય
સંયતિ રાજર્ષિ સંબંધી
ચારિત્ર્યશીલનું મૌન જે અસર ઉપજાવે છે તે હજારો પ્રવક્તાઓ કે લાખો ગ્રંથો ઉપજાવી શકતા નથી. જ્ઞાનનું ફળ ચારિત્રનું સ્ફુરણ છે. ચારિત્રની એક જ ચિનગારી સેંકડો જન્મોનાં કર્માવરણ (માયાજાળ)ને બાળી શકે છે. ચારિત્રની સુવાસ કરોડો કલ્મષો (પાપો)ને નિર્મળ કરી શકે છે.
એકદા કાંપીલ્ય નગરના સંયતિ મહારાજા મૃગયા શિકાર માટે એક ઉદ્યાનમાં નીકળી પડ્યા છે. આથી એ કાંપીલ્યકેસર ઉદ્યાનમાં નિર્દોષ એવાં મૃગાદિ પશુઓ ત્રાસી ઊઠ્યાં છે. રસમાં આસક્ત થયેલા મહારાજાના હૃદયમાં અનુકંપાદેવીને બદલે નિર્દયતાનો વાસ જામ્યો છે.
ઘોડા પર બેસી કૈંક મૃગલાઓને બાણો માર્યા બાદ જેવો તે ઘવાયેલા મૃગલા પાસે આવે છે તેવો જ તે તેની પાસે પદ્માસને બેઠેલા એક યોગીશ્વરને જુએ છે અને જોતાં વાર જ ચમકે છે. તુરત જ અશ્વ પરથી ઊતરી મુનિશ્વરની પાસે આવી વિનયપૂર્વક તેમનાં ચરણપૂજન કરે છે, નમસ્કાર કરે છે.
ધ્યાનમાં અડોલ રહેલા ગર્દભાલી યોગીશ્વરને કશોય ખ્યાલ નથી. તે તો મૌન સમાધિમાં બેઠા છે. પરંતુ મહારાજા યોગીરાજ તરફથી પ્રત્યુત્તર ન મળતાં ભયભીત થાય છે. વિના વાંકે કરેલી નિર્દોષ પશુઓની હિંસા તેને વારંવાર ખટક્યા કરે છે. અનુકંપાની લહેરો ઊછળી પડે છે.
યોગીશ્વર ધ્યાનમાંથી નિવૃત્ત થાય છે કે શીઘ્ર મહારાજા પોતાનું નામ જણાવી યોગીરાજનાં કૃપાપ્રસાદને મેળવવાની જિજ્ઞાસા રજૂ કરે છે. યોગીરાજ તેમને યથાર્થ ભાન કરાવે છે અને ત્યાં જ એ સંસ્કારી આત્માનો તે જ ક્ષણે ઉદ્ધાર થાય છે.
ભગવાન બોલ્યા :
૧. (પંચાલ દેશમાં) કાંપીલ્ય નગરમાં ચતુરંગી સેના તથા ગાડીઘોડા, પાલખી વગેરે ઋદ્ધિવાળા એક સંયતિ નામના મહારાજા રાજ્ય કરતા હતા. એકદા તે મૃગયા (શિકાર) કરવા માટે પોતાના નગરની બહાર નીકળ્યા.