________________
બ્રહ્મચર્ય સમાધિનાં સ્થાનો
૬. પૂર્વે (ગૃહસ્થ જીવનમાં) સ્ત્રીસંગાથે જે ભોગોને ભોગવ્યા હોય કે જે રતિક્રીડાઓ કરી હોય તેને સંભારે તે સાધુ ન કહેવાય. શિષ્ય પૂછ્યું : “તે શી રીતે ?' આચાર્યે કહ્યું : “બ્રહ્મચારી જો પૂર્વે રતિ કે પૂર્વની રતિક્રીડા સંભારે તો તેના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા અને વિચિકિત્સા થાય. બ્રહ્મચર્યનો ભંગ થાય કે ઉન્માદ થાય શરીરમાં (વિષય ચિંતનથી) રોગ થાય અને જ્ઞાનીના માર્ગથી પતિત થઈ જવાય. માટે નિગ્રંથે પૂર્વરતિ કે પૂર્વ રતિક્રીડાને સંભારવી નહિ.'
નોંધ : શંકા, કાંક્ષા અને વિચિકિત્સાના અર્થો પૂર્વે આપેલા છે માટે ફરી ફરી લખ્યા નથી.
૭. અતિ રસવાળાં ભોજન ન કરે તે સાધુ કહેવાય. શિષ્ય પૂછ્યું : “તે કેમ ?” આચાર્યે કહ્યું : “સરસ આહાર કરવાથી (ખરેખર રસવાળા આહારથી) બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં ઉપર કહેવાયેલી ક્ષતિ થાય. અને જ્ઞાનીના માર્ગથી પતિત થવાય માટે અતિ રસાળ ભોજન ન ખાવાં.'
નોંધ : રસવાળામાં તીખાં, તમતમતાં અને સ્વાદની દષ્ટિએ લેવાતાં ઘણાં ખાનપાનનો સમાવેશ થાય છે. સ્વાદેન્દ્રિયનો અસંયમ બ્રહ્મચર્ય ખંડનનું સૌથી પહેલું અને જોરદાર નિમિત્ત છે. સ્વાદેન્દ્રિયના સંયમથી શીધ્ર બ્રહ્મચર્યનું રક્ષણ થઈ શકે છે.
૮. મર્યાદા ઉપરાંત અતિ આહાર પાણી કરે નહિ તે સાધુ કહેવાય. શિષ્ય પૂછ્યું : “તેમ શા માટે ?” આચાર્યે કહ્યું : “અતિ ભોજન કરવાથી ઉપર કહેવાયેલી રીતે બ્રહ્મચર્યનું ખંડન થાય છે અને સંયમ ધર્મથી પતિત થવાય છે.
નોંધ : અતિ ભોજન કરવાથી અંગમાં આળસ પેસે છે. દુષ્ટ વિચારો જાગે છે અને એમ ક્રમથી બ્રહ્મચર્ય માર્ગમાં પણ ઘણીવાર બાધા ઊપજે છે.
૯. શરીર વિભૂષાને અનુસરનારો (શૃંગાર નિમિત્તે અતિ ટાપટીપ કર્યા કરે તે) સાધુ કહેવાતો નથી. શિષ્ય પૂછ્યું : ‘તેમ શા માટે ?' આચાર્ય કહ્યું : “ખરેખર સોંદર્યમાં ભૂલેલો અને શરીરને શણગારનાર બ્રહ્મચારી સ્ત્રીઓને આકર્ષક નીવડે છે અને તેથી તેના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા અને વિચિકિત્સા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્ય ખંડિત થાય માટે બ્રહ્મચારીએ વિભૂષાનુરાગી થવું.'
નોંધ : સૌંદર્યની આસક્તિ કે શરીરની ટાપટીપ કરવાથી વિષયની વાસના જાગવાનો સંભવ રહે છે. સાદાઈ અને સંયમ એ જ બ્રહ્મચર્યનાં પોષક છે.