________________
સ ભિખ્ખુ
૮૯
મચ્છર ઇત્યાદિ બધું વ્યાકુળતા રહિત થઈ શાંતિપૂર્વક સહન કરે તે જ ભિક્ષુ કહેવાય.
પ. સત્કાર કે પૂજાની લાલસા ન રાખે. કોઈ વંદન કે ગુણની પ્રશંસા કરે તો પણ અભિમાન ન લાવે. તેવા સંયમી, સદાચારી, તપસ્વી, જ્ઞાનવાન, ક્રિયાવાન અને આત્મદર્શનના જ શોધક હોય તે જ ભિક્ષુ કહેવાય.
૬. જેનાથી સંયમી જીવન હણાતું હોય તેવું કાર્ય ન કરે. સકળ મોહને દબાવે અને નરનારીનો (મોહવર્ધક) સંગ છોડીને તપસ્વી થઈ વિચરે, તેમજ તમાશા જેવી વસ્તુઓમાં રસ ન લે તે જ ભિક્ષુ કહેવાય.
૭. નખ, વસ્ત્ર અને દાંત વગેરે છંદવાની વિદ્યા, રાગ (સ્વર) વિદ્યા, ભૂકંપનો વિચાર, આકાશમાં તારા વગેરે તૂટે તેનું જ્ઞાન, સ્વપ્નવિદ્યા, સ્ત્રી પુરુષોના લક્ષણ જાણવાની વિદ્યા, અંગસ્ફુરણની વિદ્યા, દવિદ્યા, ઘરમાં દાટેલું ધન વગેરે જાણવાની વિદ્યા, શૃગાલાદિના સ્વર ઓળખી કાર્ય કે વિજય થશે કે કેમ ? તે જાણવાનું શાસ્ત્ર - આવી વિદ્યાઓ દ્વારા પોતાનું સંયમી જીવન જે ન ચલાવે તે જ સાધુ કહેવાય.
૮. મંત્ર, જડીબુટ્ટી, આદિ મૂળિયાં અને જુદી જુદી જાતના વૈશ્વિક ઉપચારો જાણીને આચરવાં કે વમન કરાવવું, જુલાબ આપવા, ધૂપ દેવા, આંખનાં અંજન બનાવવાં, સ્નાન કરાવવું, રોગ આવ્યે આતુરતાપૂર્વક માતાપિતાદિને સંભારવા અને વૈદ્યક શીખવું એ ત્યાગીઓને માટે યોગ્ય નથી, માટે તેને છોડી દે તે જ સાધુ કહેવાય.
નોંધ : ઉપરની વિદ્યાઓ અને તેને અંગે થતી ક્રિયાઓ પરિણામે એકાન્ત ત્યાગ ધર્મથી પતિત કરાવનારી જ નીવડે છે. માટે જૈન મુનિઓ તેવી ક્રિયા કરતા નથી અને કરનારને અનુમોદન પણ આપતા નથી.
૯. ક્ષત્રિયોના સમૂહ, ઉગ્રકુળના રાજપુત્રો, બ્રાહ્મણો, ભોગીઓ કે ભિન્નભિન્ન પ્રકારના શિલ્પીઓની પૂજા કે પ્રશંસા ન કરે. તેઓની પૂજા કે પ્રશંસા સંયમી જીવનને ઉપકારક નથી. એમ જાણીને છોડી દે તે જ ભિક્ષુ કહેવાય.
નોંધ : રાજાઓ કે તેવા ભોગી પુરુષોનું કિંવા બ્રાહ્મણોનું તે વખતે ખૂબ જોર હતું તેવા પુરુષોની ભિક્ષુઓએ ખોટી પ્રશંસા કરવી તે ત્યાગી જીવનનું ભયંકર દૂષણ છે. તેવી ખુશામત કરવાથી આત્મધર્મ હણાય છે. યોગીએ તો સદા આત્મમગ્ન રહીને વિચરવું.