________________
૭૪
ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : ત્યાગીને ભોગોનું આમંત્રણ કરવામાં પણ તેનાં સ્નેહ અને સહૃદયતા સ્પષ્ટ દેખાતાં હતાં.
૧૫. ઊભરાતા પૂર્વ સ્નેહથી અને કામ ભોગોમાં આસક્ત થયેલા મહારાજા (બ્રહ્મદત્ત)ને તેના એકાંત હિતચિંતક અને સંયમધર્મમાં રક્ત રહેલા ચિત્તમુનિએ આ વચન કહ્યું :
૧૬. બધાં સંગીત તે એક પ્રકારના વિલાપ સરખાં છે, સર્વ પ્રકારનાં નૃત્ય કે નાટક એ વિટંબના રૂપ છે, બધા અલંકારો તો બોજારૂપ છે અને બધા કામભોગો એકાંત દુઃખને જ આપનાર છે.
નોંધ : સંસાર આખોય જ્યાં નાટક રૂપે છે ત્યાં બીજાં નાટકો શાં જોવાં? જે સ્થળે ક્ષણ પહેલાં સંગીત અને નૃત્ય થઈ રહ્યાં હોય છે ત્યાં જ થોડી ક્ષણ બાદ હાહાકાર ભર્યા કરુણ રૂદનો થાય છે. ત્યાં કોને સંગીત માનવાં? આભૂષણો બાળકની ચિત્તવૃત્તિને પોષવાનાં રમકડાં છે. ત્યાં સમજુને મોહ શા ? ભોગો તો આધિવ્યાધિ અને ઉપાધિ ત્રણે તાપનાં મૂળ છે. દુ:ખના મૂળમાં સુખ શી રીતે સંભવે ?
૧૭. તપશ્ચર્યા ધનવાળા, ચારિત્રગુણોમાં લીન અને કામ ભોગોની આસક્તિથી સાવ વિરક્ત એવા ભિક્ષુઓને જે સુખ હોય છે તે સુખ, હે રાજન ! અજ્ઞાનીઓને મનોહર લાગવા છતાં એકાંત દુ:ખને આપનાર એવા કામભોગોમાં કદી હોઈ શકે જ નહિ.
૧૮. હે નરેન્દ્ર ! મનુષ્યોમાં અધમ ગણાતા એવા ચંડાલજીવનમાં પણ આપણે રહ્યા હતા. તે જન્મમાં (કર્મવશાતું) આપણે ઘણા મનુષ્યોના અપ્રીતિપાત્ર થયા હતા. અને ચંડાલનાં સ્થાનોમાં પણ રહ્યા હતા. (તે બધું યાદ છે ?).
નોંધ : ચંડાલ જાતિનો અર્થ અહીં ચંડાલકર્મને અંગે સમજવો. જાતિથી કોઈ નીચ કે ઊંચ હોતા જ નથી. કર્મથી જ ઊંચા કે નીચ થવાય છે. જો ઉત્તમ સાધનો પામીને પણ પૂર્વ ભવે કરેલી ગફલત આજે પણ થશે તો આત્મવિકાસને ટાણે પતિત થઈ જવું પડશે તે સારુ પૂર્વભવની યાદી આપે છે.
૧૯. જેવી રીતે ચંડાલના ઘરે ઉત્પન્ન થઈ તે દુષ્ટ જન્મમાં આખા લોકની નિંદાને પાત્ર હતા છતાં પાછળથી શુભકર્મ કરવાથી જ આજે આ ઉત્તમ સ્થિતિમાં પહોંચ્યા છીએ. તે પણ પૂર્વે કરેલા કર્મનું જ પરિણામ છે. (એ ન ભૂલશો.)