________________
ઉત્તરાધ્યયન સૂત્ર નોંધ : ચિત્ત પણ અઢળક ધનવાળા ધનપતિને ત્યાં જન્મ્યો છતાં તે અનાસક્ત હોવાથી કામભોગોથી વિરમી શક્યો.
૩. ચિત્ત અને સંભૂતિ બંને ભાઈઓ (ઉપર કહેલા નિમિત્તથી) કાંપીલ્ય નગરમાં મળ્યા અને તેઓ પરસ્પર (ભોગવેલાં) સુખ દુઃખનાં ફળ તથા કર્મવિપાકને કહેવા લાગ્યા :
૪. મહાકીર્તિવાળા અને મહાસમૃદ્ધિવાળા બ્રહ્મદત્ત ચક્રવર્તીએ પોતાના ભાઈને બહુમાનપૂર્વક આ વચન કહ્યું :
૫. આપણે બંને ભાઈઓ પરસ્પર એકબીજાને (હંમેશાં) અનુસરનારા, એક બીજાનું હિત કરનાર અને એક બીજાના પ્રેમમાં ખૂબ રક્ત હતા.
નોંધ : બ્રહ્મદત્તને જાતિસ્મરણ જ્ઞાન અને ચિત્તને અવધિજ્ઞાન થયું હતું તેથી અનુભવેલા પૂર્વભવની વાત કરે છે. અવધિજ્ઞાન એટલે મર્યાદાવાળું ત્રિકાળજ્ઞાન.
૬. (પહેલે ભવે) દશાર્ણદેશમાં આપણે બંને દાસ રૂપે હતા, (બીજે ભવે) કાલિંજર પર્વતમાં મૃગલા થયા હતા, ત્રીજે ભવે) મૃત ગંગા નદીને કાંઠે હંસરૂપે જન્મ્યા હતા. અને (ચોથે ભવે) કાશી ભૂમિમાં ચંડાળકુળમાં જન્મ્યા હતા.
૭. (પાંચમે ભવે) દેવલોકમાં મહાઋદ્ધિવાળા આપણે દેવ હતા, માત્ર આપણો છઠ્ઠો જન્મ જ પરસ્પર સાથ વગરનો થયો છે.
નોંધ : આમ બોલી સંભૂતિએ; છઠ્ઠા ભવે ભિન્ન ભિન્ન સ્થળે શાથી ઉત્પન્ન થવું પડ્યું તેનું કારણ પૂછ્યું.
૮. હે રાજન ! તમે (સનતકુમાર નામના ચોથા ચક્રવર્તીની સમૃદ્ધિ તથા તેમનાં સુનંદા નામનાં સ્ત્રીરત્નને દેખીને આસક્તિ ઉપજવાથી) તપશ્ચર્યાદિ ઉચ્ચ કર્મોનું નિયાણું (આવું તુચ્છ ફળ) માગી લીધું. તેથી તે ફળના પરિણામે જ આપણે વિયોગ પામ્યા. (આ ચિત્તનાં વચન છે.)
નોંધ : તપશ્ચર્યાથી પૂર્વકર્મોનો ક્ષય થતો હોય છે. પૂર્વ કર્મ ક્ષય થવાથી આત્મા હળવો બને છે અને તેનો વિકાસ થાય છે. પુણ્યકર્મથી સુંદર સંપત્તિ મળે પરંતુ સંપત્તિથી આત્મા ભારી બનવા સંભવ છે. તેથી જ મહાપુરુષો પુણ્ય ન ઇચ્છતાં માત્ર પાપકર્મનો ક્ષય જ ઇચ્છે છે. પુણ્ય એ જો કે સોનાની સાંકળ છે. છતાં સાંકળ એ પણ બંધન જ છે. જેણે બંધન રહિત થવું હોય તેણે સોનાની સાંકળ પણ તજી દેવા પ્રયત્ન કરવો જોઈએ. અને નિરાસક્તપણે કમને ભોગવી લેવાં જોઈએ.