________________
૩૯૦
ગીતા દર્શન
"અરે કૌતે ! એમની જરૂરિયાતોની પણ એમને કશી પડી નથી ! કારણ કે એમની જરૂરિયાતો એવી અલ્પ બની જાય છે કે સહુને એમના પ્રત્યે આપોઆપ સદૂભાવ થવાથી પૂરી પાડી રહે છે. ખાવાપીવા માટે પ્રપંચ કરવા પડે છે એ તો અનાર્ય લોકોની દલીલ છે. એવી દલીલ તને છાજે કે?” એમ વચ્ચે જરા ટોણો મારીને વળી શ્રીકૃષ્ણ ગુરુજી આગળ વધ્યા :
"અહો કુરુશ્રેષ્ઠ ! ભકત શું આપે, એમ તું પૂછે છે, ખરું? ભોળા રે ભોળા ! મને સ્થળ પદાર્થોની જરૂર નથી, વૈભવો તો મારા ચરણ ચુંબે છે, પણ મારે એ શું કરવા છે ? હું જે ઈચ્છું તે એક માત્ર અનન્ય ભકિત. બાકી મારા ભકત મારે નિમિત્તે પાંદડાં આપે, ફળ આપે કે પાણી મૂકે, એનેય હું તો મહા મૂલ્યવાન ગણી લઉ. મતલબ કે જેમ મને એ વૈભવો નથી ગમતા, તેમ મારા ભકત સંતોને પણ એ નથી જ ગમતા, હું જેમ ભાવનો ભોકતા છું તેમ તે પણ ભાવના ભૂખ્યા છે, પણ મારું તેજ જેમાં છે, તે સંતોને પરમાત્મા માનીને લોકો મને પૂજે એમને માટે મેં ઉપર કહ્યું તેમ સાદી વસ્તુઓ આપવી , અને ભાવની મહામૂલી ભેટ ધરવી તોય બસ છે. એટલે એવી શંકાની પણ કશી જરૂર નથી.
એટલું કહીને વળી શ્રીકૃષ્ણ યોગેશ્વર આગળ ચાલ્યા : "ઘણીવાર તને કહ્યું, છતાં એકવાર ફરીને કહું છું કે મારી ભકિતમાં નથી વર્ગભેદ, નથી વર્ણભેદ કે નથી લિંગભેદ. સ્ત્રી હો, વૈશ્ય હો, શૂદ્ર હો, અરે પાપી હો, તોય શું થયું?"
"ભરતશ્રેષ્ઠ ! પહેલાં કોઈ સંજોગે મહા દુરાચારી બન્યો હોય છતાંય અનન્ય ભાવે મારું શરણ લે, તો તેને સાધુ જ માનવો. કારણ કે તેની પ્રવૃત્તિ બદલીને અંતે તે સત્ય તરફ વળે, એટલે સૌથી આગળ નીકળી જાય છે. તે આત્મજ્ઞાન માટે માથું મૂકે છે. તન, મન સાધન સર્વ સમર્પણ કરી શકે છે. તેવા એ ધર્માત્મા તો છેવટે કાયમી શાન્તિ સમા મારા રૂપમાં ભળે છે."
"પાર્થ ! સોગનપૂર્વક કહું છું કે મારાથી મારા ભકતો જરાય જુદા નથી. પવિત્ર બ્રાહ્મણો અને ભકત રાજર્ષિઓની મને કદર છે, કારણ કે પવિત્ર હૃદયના સાચા બ્રાહ્મણો સંસ્કૃતિના સૂત્રધાર છે અને ટેક ખાતર સર્વસ્વ તજવા તત્પર રહેલા ભકત રાજર્ષિઓ જગતની સંપત્તિના રક્ષણહાર છે. તું પણ રાજબીજ છે, એટલે વીર છે, એથી જ સર્વસમર્પણનો માર્ગ ગ્રહણ કરી શકે તેમ છે.”