________________
૬૬૮
ગીતા દર્શન
કિંવા ભાવો સ્મરી જે જે, અંતે છોડે કલેવર;
ને તે જ ભાવને પામે, સદા તે ભાવભાવિક. (૮-૪) અને છેવટે બહુ જન્મને અંતે પરંપદ પામી જાય છે. પણ મૃત્યુ વેળાએ આત્મભાનની સ્મૃતિ તો જ રહે કે જો પહેલેથી એ અભ્યાસ પાડયો હોય ! માટે જ પળેપળે અભ્યાસનો આગ્રહ કરું છું.
જ્ઞાન અભ્યાસથી સારું, જ્ઞાનથી ધ્યાન, ધ્યાનથી;
સારો કર્મફળત્યાગ, ત્યાગથી શાંતિ સત્ત્વર. (૧૨-૧૨) પણ તારા જેવી ઉચ્ચ ભૂમિકાને પ્રાપ્ત ન હોય તેવા સાધકોને હું યજ્ઞદાન અને તપનું પણ કહું છું, દ્રવ્યયજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ સારો છે, અને દ્રવ્યયજ્ઞોમાં પણ અન્નમય યજ્ઞ કરતાં ઈન્દ્રિય સંયમ પ્રાણાયમ, સ્વાધ્યાય એ યજ્ઞોને હું ઉત્તમ જ ગણું છું. છેવટે તો બ્રહ્મમાં જ સ્થિર થવાનું હોઈને યજ્ઞના મંડાણમાં હું ધર્મમય પુરુષાર્થને સ્થાન આપું છું. યજ્ઞનો એ જ વ્યાપક અર્થ છે. જેઓએ સંપૂર્ણ માલિકીહક છોડયો છે, તે તો ઉત્તમ જ છે પણ નહિ તો સાત્ત્વિકદાનની હું જરૂરિયાત માનું છું, કારણ કે કશાય સ્વાર્થ વિના નામના કે કામનાની ભૂખ રાખ્યા વિના સુપાત્ર સ્થળે જે વેરે છે, તે સાત્ત્વિક દાતા ગણાય. આવું સાત્ત્વિક દાન લેવાનો અધિકાર જેણે જગત અને જીવનના સુમેળનું અનુસંધાન કર્યું છે તેવા સંતો કે સંસ્કારની પરબરૂપ બનેલી સંસ્થાઓ જ ગણાય. રાગદ્વેષ રહિત દેવ, નિર્લોભી સદ્દગુરુ અને જ્ઞાનીજનોની પૂજા, આંતરિક તથા બાહ્ય પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા વગેરેનો પણ હું તપમાં સમાવેશ કરું છું અને તે માનસિક અને વાચિક ઉપરાંત કાયિક પણ પાળવાં જોઈએ, એવો મારો આગ્રહ છે. મનુષ્ય મનથી બ્રહ્મચર્યલક્ષ્ય રાખું છું, એમ કહે અને કાયાએ ગમે તેમ વર્તે અથવા જનનેંદ્રિયનો સંયમ પાળે અને બિભત્સ બોલે, સાંભળે; રાજસી કે તામસી ખોરાક લે, સ્પર્શ વ્યભિચાર સેવે, વિકારી ચિત્રો જુએ અને મનમાં વિકારોને પોષ્યા કરે તો તે બ્રહ્મચારી કદી ન રહી શકે. અપીડાકારી; લોકવલ્લભ, સત્ય અને હિતકારી વાણી બોલવી કે સ્વાધ્યાયાદિ કરવાં એ પણ તપ છે. મૌન રાખે તે ઉત્તમ તપ છે; પણ સાથે સાથે મનનું મૌન પણ જોઈએ. મતલબ કે ભાવનાશુદ્ધિને માટે તપ ઉપયોગી છે, પણ તે સુદ્ધાં કશી ય કામના વગર જ થવું જોઈએ. આવી પ્રવૃત્તિને હું સત્ કહું છું."
રાજાજી ! તમે આ બધું સાંભળ્યું ને?