________________
વાત્સલ્યધામ, વ્યારા વગેરે અગત્યનાં કેન્દ્રો. ત્યાંના આશ્રમવાસીઓ સાથેના મિલાપમાં પોતાની આત્મીયતા અનુભવી. ખાસ કરીને વેડછી અને વાત્સલ્યધામના – મઢીના તેમના ઉદ્ગારો અને દિનચર્યા એક વિશેષ ભાત પાડે છે.
આવી ખેડાયેલ ભૂમિમાં પણ દારૂનું વ્યસન ભારે. આદિવાસીઓ કાળા ગોળમાંથી જાતે જ દારૂ બનાવી લે. જુગતરામભાઈએ વિનંતી કરી કે આ ગોળનો વેપાર બંધ થાય તો દારૂબંધીના કામમાં વેગ આવે, મહારાજશ્રીએ મઢીની રાતની જાહેરસભામાં અપીલ કરતાં વેપારીઓએ ચમત્કારિક રીતે બંધ કરવાનું વચન આપ્યું. બસ, પછી તો તાપી નદીની ખીણના એ આખા પ્રદેશ - નંદરબાર સુધી - દારૂનિષેધનું બહુ અગત્યનું કામ મળી ગયું.
સોનગઢ તાલુકામાં કાકરાપાડાનો વિસ્તાર ફર્યા, અને એ તરફનાં જંગલોમાં, સહકારી જંગલ મંડળીઓ મારફતે જંગલો, કપાતા કૂપની યોજના સમજવા, અને આદિવાસીઓને મળવા જુગતરામભાઈએ વિનંતી કરતાં – માત્ર જંગલ માટે તેમણે ચાર દિવસ આપ્યા. અહીં તેમનું સ્વાગત જંગલ કામદાર આદિવાસીઓ “જય બોલતાંની સાથે પોતાના ચકચકતા કૂહાડા ઊંચા કરીને સલામી આપતા. આ એક વિરલ દશ્ય હતું. સેંકડો આદિવાસી આ જંગલ કટાઈમાં રોકાયેલ. તેમનું શાહુકારો મારફતે થતા શોષણને અટકાવનાર મુંબઈ રાજ્યના ખેરસાહેબને તેમણે બિરદાવ્યા. આદિવાસીઓને નિર્મળ, પવિત્ર જીવન માટે દારૂ છોડવાની અપીલ કરી. આ ડાયરીમાં જોવા મળે છે કે કેટલાંક આદિવાસી ગામોમાં તેઓ દારૂ નહીં પીવાની પ્રતિજ્ઞા લઈને સંતની શુભાશિષ મેળવે છે.
આ દેશની વિવિધતામાં સંતો પ્રત્યેની ભક્તિની એકતા કેવી છે તેનાં મરણીય ચિત્રો પણ અહીં જોવા મળે છે. ભાષા, વેશ બધું વિવિધ હોવા છતાં અંતરની એકતા અખંડ હતી. કેવળ હિંદુ સમાજ નહીં, મુસ્લિમ ગામો અને મુસ્લિમ સમાજમાંથી પણ તેમને ભક્તિભાવ મળ્યો છે.
ગુજરાતના પ્રવાસમાં ખંભાતમાં અને ભરૂચ જિલ્લાના ગામોમાં તેમનો પ્રવાસ કોમી એકતાના દૃષ્ટાંત રૂપ બની રહેતો. તેમણે એક મદ્રેસામાં કહ્યું :
“હું હમણાં જ શ્રીમદૂના અનુયાયીઓ પાસે જઈ આવ્યો. જો દરેક ધર્મના લોકો એકબીજાના ધર્મસ્થાનોમાં જાય, અરસપરસ મળે તો ભાઈચારો વધે. ધર્મ એ માણસને પવિત્ર બનાવે છે.”
પોતાની યાત્રા દરમિયાન ધર્મને વિવિધ રીતે સમજાવતાં મુખ્ય એકતાને બાળકોની ભાષા વાપરી બે એકડાના દૃષ્ટાંતથી સમજાવે છે. બે એકડા ભેગા મળે તો અગિયાર થાય - પણ બંને જુદા જુદા બેસે તો એક જ રહે. એકઠા બેસાડવાનું કામ શાળાના શિક્ષકોએ કરવાનું છે.
સમાજમાં સત્તા અને ધનથી સર્વોપરિતાવાળી જ બધી યોજનાઓ વિચારાય છે, પણ એ કંઈ સાચું બળ નથી. સાચું બળ ધર્મ એટલે કે નીતિ, આધ્યાત્મિક બળ
સાધુતાની પગદંડી : પુસ્તક-છઠું