________________
તા. ૧-૫-પ૭ : ઉપરદળ
ઝાંપથી નીકળી ઉપરદળ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ચોરામાં રાખ્યો.
તા. ૨, ૩-૫-૫૩ : રેથળ
ઉપરદળથી નીકળી રેથળ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો. ગામલોકોએ તથા વિદ્યાર્થીઓએ સ્વાગત કર્યું. દરબારો બાળકોને નિશાળમાં મોકલતા નથી. શિક્ષણ ફરજિયાત છે. દંડ કરે અને ઉઘરાવા જાય તો ગામમાં ઝઘડો થાય છે. એટલે કશું કરી શકતા નથી. સહકારી મંડળી સારી ચાલતી નથી. લોકોને સમજાવ્યાં હતાં.
તા. ૪-પ-પ૭ : કુંડળ
રેથળથી કુંડળ આવ્યા. અંતર બે માઈલ હશે. ઉતારો કાનાભાઈની ઓસરીમાં રાખ્યો હતો. પાલનપુરથી પોપટલાલ જોશી, ગલબાભાઈ, ભાયચંદભાઈ વગેરે મહારાજશ્રીને મળવા આવ્યા હતા. એમણે ચૂંટણી, પસાયતાનો પ્રશ્ન અને વિકાસમંડળ અંગે વાતો કરી. ખેડૂતમંડળમાં ચર્ચા કરી. પ્રશ્નનો નિકાલ કરવા સમજાવ્યું. તા. ૬-પ-પ૭ : માણકોલ
કંડળથી નીકળી માણકોલ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ચોરામાં રાખ્યો. આ ગામ અમદાવાદના શેઠ શ્રી અંબાલાલ સારાભાઈનું છે. ખેડૂતો પાસે ભાગ નહિ પણ વીઘોટી લે છે. મહારાજશ્રી આ ગામમાં સંવત ૧૯૯૫માં ચાતુર્માસ કરેલ હોવાથી લોકોની શ્રદ્ધા ઘણી જણાઈ આવતી. હતી. તેમાં બહેનોનો પ્રેમ અપાર હતો. રાત્રે જાહેરસભા સારી થઈ. તેમાં ગ્રામસંગઠન અને સામાજિક રિવાજો વિશે કહેવાયું હતું.
તા. ૭-પ-પ૭ : મખિયાવ
માણકોલથી નીકળી મખિયાવ આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો લક્ષ્મણભાઈના ઘરે રાખ્યો હતો. ગામમાં દિગંબર જૈન મંદિર છે. અહીં વાઘરીઓને ગામમાં થઈને જવા દેતા નથી. તેમને હિંમત આપી સમજાવ્યા કે તમારે ગામમાં થઈને નીકળવું.
સાધુતાની પગદંડી : પુસ્તક – છડું