________________
તા. ૮-૩-૫૭ : ભલગામડા
પોલારપુરથી નીકળી ભલગામડા આવ્યા. અંતર સાડા પાંચ માઈલ હશે. ઉતા૨ો દરબારી ઉતારામાં રાખ્યો. કામનાં દિવસ હોવા છતાં આખા ગામનાં સ્રી-પુરુષોએ પાદર આવી સ્વાગત કર્યું. ઢોલ અને ગીતો ગાતાં ગાતાં સૌ ઉતારે આવ્યાં.
પ્રાસંગિક કહેતાં મહારાજશ્રીએ જણાવ્યું કે તબિયતને કારણે તમે બોલાવ્યા તેથી આવવાનું થયું. આપણે જે ચૂંટણી જંગ ખેલ્યો તેનાં પરિણામો જોઈને જે દુઃખ થયું તે સ્વાભાવિક છે. તમે જે રસ લીધો, તેથી તેમ લાગે પણ તમારે મારા ઉપર છોડવું જોઈએ. આજે કસબા અને ગામડાં વચ્ચે સીધી લડત છે. કસ્બાઓ જાગૃત છે. સારી રીતે તેમને ગામડાંઓ જ જગાડી શકે. આ વખતે ચૂંટણીસમય ઓછો હતો, કામટાણું હતું, થોડો વિશ્વાસ પણ હતો કે અમે તો જીતીશું જ. ભલગામડામાં જે થોડા ભાઈઓએ રસ લીધો તે ભુલાય તેવો નથી. ખાસ કરીને ભીમજીભાઈએ જે રસ લીધો તે અવર્ણનીય હતો. જોકે એ ગામ વતી હતો એમ કહેવાય. યશ ગામડાંને છે. છતાં એવું કામ બીજા ભાઈઓએ કર્યું હોત તો આ દુઃખ લાગે છે, તે ન લાગત. પણ છેવટે તો જે થાય તે સારા માટે. કુદરત એ રીતે આપણને ચેતવે છે, જાગૃત કરે છે. દેવળિયા પણ કેટલું સારું ! રોજીત ધારત તો ફે૨ કરી શકત. બાવા-ભિખારી, રાણપરી વગેરે સારાં હતાં પણ છેલ્લે દિવસે બાજી બદલાઈ ગઈ. સાયકલ સેવકોનું હું કહેતો હતો તે એટલા માટે. આપણે જાગતા ન રહ્યાં, હવે અફસોસ ન કરતાં કામે લાગવું જોઈએ. જિન પ્રેસની સાથે પોલાપરુના જિનને કેમ વાળી લેવું તે સવાલ છે. તેવી જ રીતે સંવાળિયા વગેરે સહકારી મંડળીનું કામ વધારવું પડશે. ગામડાંએ જાગવું પડશે. વિરમગામનું પરિણામ જોઈને આપણે ચોંકી ઉઠીએ છીએ. ફરી પાછી મૂડીવાદી સમાજરચના લાવવી છે ? આપણે ખાસ વિશ્વાસ રાખીએ તેવા ગામો પણ ખાલી પડ્યાં. આકરું, રોજકા જેવાં ગામોમાં પણ ફાટ. મને આશા છે કે એ પ્રકારની વસ્તુ ભૂલીને સામે જે કાર્યવાહી આવી પડી છે તેને અમલમાં મૂકીએ. કૉંગ્રેસે આજ સુધી સ્થાપિત હિતોને પંપાળ્યાં છે. પંદરેક દિવસ રોકાવા ઇચ્છું છું. તેમાં સાતેક દિવસ તદ્દન મૌન રાખવાનું વિચાર્યું છે.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૪૫