________________
તા. ૧૫-૨-૫૭ :
આજે તગડી મુકામે ચુંવાળિયા લોકોનું એક સંમેલન યોજાયું. ૨૫ ગામના પચાસેક આગેવાનો ભેગા થયા. સંખ્યા ઓછી ગણાય. સામે પક્ષે આ સંમેલન ન ભરાય તે માટે પ્રયત્ન કર્યો પણ ભરાયું. કૉંગ્રેસને ટેકો આપતો ઠરાવ સર્વાનુમતે પસાર થયો. કુરેશીભાઈ, ડેલીવાળા વગેરે હાજર રહ્યા હતા, ભીમજીભાઈ તો હતા જ.
તા. ૧૯-૨-૫૭ :
મહારાજશ્રીને જવાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. તે વખતે રાઘુભાઈએ મહારાજશ્રીને એક સૂચન કર્યું કે, આપ આ વખતે ચૂંટણીમાં ન પડો. આપ પ્રેરક રહો અને આપણો જે સિદ્ધાંત છે કે ગામડાંએ જ ચૂંટણીલક્ષી અને યોગ્ય ઉમેદવારને જીતાડી આપવો તો જ ઓછી ખર્ચાળુ અને પ્રમાણિક ઉમેદવાર બાગ લઈ શકશે. આપ અહીં જ રહો અને તબિયત સુધારો.
મહારાજશ્રીને આ સૂચન ગમ્યું. રાત્રે વિચાર કરવા જણાવ્યું. રાત્રે પ્રાર્થના પછી આ વિશે ચર્ચા શરૂ થઈ. રાઘવજીભાઈએ પ્રથમ ગામ વતી મહારાજશ્રીને અહીં જ રહી તબિયત સુધારવા અને ચૂંટણીમાં ભાગ ન લેવા ગામડાંને પ્રેરવા વિનંતી કરી. મહારાજશ્રીએ કહ્યું કે મને તમારું સૂચન ગમ્યું છે. ચૂંટણીનો જશ ગામડાંને જ આપવો જોઈએ પણ મને બે વિચાર આવે છે. એક તો જૈન સાધુ તરીકેના જે નિયમો છે તે ઘણાં ઉપયોગી છે. તે નિયમ પ્રમાણે એકાદ મહિના પહેલાં સ્થાન છોડવું જોઈએ. તબિયતનો પ્રશ્ન હોય તો જુદી વાત છે. ૨૯ દિવસ કુલ થશે પણ એ તો એકાદ દિવસ તગડીને કે આકરું જઈને બીજે દિવસે પાછું આવી શકાય. પણ મેં એક વિચાર ચૂંટણી પ્રવાસનો કર્યો. હવે બંધ રાખું તો મારી ફરજ નથી ચૂકતો ને ? આ સવાલ મારા મનને થાય છે. બીજી બાજુ તમારો વિચાર પણ ગમે છે. આવે વખતે હું ચિઠ્ઠી નાખવાનું સૂચન કરું છું. જોકે એ રીત બરાબર તો નથી જ પણ મને અહીંથી કુદરત ઉ૫૨ છોડીને નિકાલ લાવવો ઠીક લાગે છે. એટલે અત્યારે નિર્ણય લેવો હોય તોય મને વાંધો નથી. (મને લાગ્યું કે પ્રવાસ થાય તો મહારાજશ્રીને સંતોષ થશે.)
પછી બે ચિઠ્ઠી લખાય : એક પ્રવાસની અને બીજી પ્રવાસ નહીંની. એક બાળકે ચિઠ્ઠી ઉપાડી. પ્રવાસની ચિઠ્ઠી આવી એટલે પ્રવાસનું નક્કી થયું. ગામલોકોને ગમ્યું તો નહિ પણ શું થાય ?
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૪૨