________________
રાતના બીજા કાર્યકરો સાથે વાતો ચાલી. તેમાંની મુખ્ય એ હતી કે અમદાવાદમાં જે લોકો સભાઓ તોડે છે તેમની સામે સરકાર પોલીસ પગલાં લે છે. તેને ઠેકાણે પ્રજાશક્તિ જાગૃત કરવા માટે તા. ૧લી ફેબ્રુઆરીથી શુદ્ધિપ્રયોગની શરૂઆત કરવાનું નક્કી કર્યું હતું. પછી તોફાન થાય તો શાંતિસેનાનું કાર્ય શરૂ કરવાનું હતું. છોટુભાઈ, સુરાભાઈ આની તૈયારી માટે અમદાવાદ ગયા. ત્યાં મજૂર મહાજનવાળા શ્યામપ્રસાદ વસાવડાને મળ્યા. તેમણે કહ્યું, “કામ ઉત્તમ છે. હું તમને માણસોની મદદ કરત, પણ ચૂંટણી નજીક હોવાથી તે શક્ય નહીં બને. પણ મોરારજીભાઈને મળો.' તેમણે મોરારજીભાઈનો સંપર્ક કરી આપ્યો. મોરારજીભાઈને મળવા લગભગ દોઢ કલાક વાતો થઈ. મોરારજીભાઈએ ઉપવાસની સલાહ ન આપી. પણ શુદ્ધિપ્રયોગ કે વિચાર, પ્રચાર કરવા જણાવ્યું. તોફાન થાય તો પછી ઉપવાસ કરવા જણાવ્યું. બીજા કોંગ્રેસીઓએ એવી સલાહ આપી કે હમણાં શાંતિ છે. તમારા પ્રયોગથી વળી અશાંતિ જગાડવાનું નિમિત્ત મળશે. માટે બંધ રાખો. આ બધી વાતો થઈ. મહારાજશ્રીનો આગ્રહ નક્કી કર્યા પ્રમાણે પ્રયોગ ચાલુ રાખવાનો હતો પણ છેવટે તો કાર્યકરોનો અનુભવ અને તેમની ઇચ્છા ઉપર છોડ્યું. એટલે હાલ તુરત એ પ્રયોગ મોકૂફ રાખ્યો અને જરૂર પડ્યે શરૂ કરવા તૈયાર રહેવું, એમ નક્કી થયું. ચૂંટણીની ગોઠવણ અંગે વાતો થઈ. પછી ઉપવાસ કરવા પડે તો કયું સ્થળ પસંદ કરવું. તેનો વિચાર કર્યો. કારણ કે બસમાં મનસુખભાઈનું ઘર આપણું જ ઘર લાગે પણ બે બહેનોને પ્રસૂતિ આવવાની હોવાથી તેમને મુશ્કેલી પડે તેમ લાગવાથી આ વિચાર કર્યો. મહારાજશ્રીની ઇચ્છા આ વિભાગમાં રહેવાની એટલા માટે હતી કે કનેર વિભાગમાં ચૂંટણીનું પણ ધ્યાન રહે. છેવટે બધાની નજરમાં બધી રીતે સગવડવાળું ભલગામડા ધ્યાનમાં આવ્યું. તે નક્કી થયું. સવારમાં સૌ ગયાં. તા. ૨૨-૧-પ૭ : જાળિલા
ખસથી બપોરના ત્રણ વાગે નીકળી જાળિલા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો. ખસના કેટલાંક ભાઈ-બહેનો સ્ટેશન સુધી વળાવવા આવ્યાં. સ્ટેશન ઉપર થોડી વાર બેઠાં. મહારાજશ્રીએ “આવો, આવો ઊડીએ પંખીડાં પ્રેમની પાંખે રે...' એ ગીત ગાયું. સ્ટેશન માસ્તર અને તેમના પત્ની પણ મળ્યાં. પછી સૌ છૂટાં પડ્યાં. અમે બે જ જણ આજે
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું