________________
તા. ૨૯-૧૨-૫૬ : બાવળિયારી
મિંગલપુરથી નીકળી બાવળિયારી આવ્યા. ગામલોકોએ સ્વાગત કર્યું. ઉતારો એક દરબારના મકાને રાખ્યો હતો. વચ્ચે આવતાં દરિયાનું બોયું આવે છે તેનો કીચડ ઓળંગવો પડ્યો. દરિયાના કિનારે આ ગામ છે. તેનાં ખારા વાયુથી જમીન બગડતી જાય છે. આ ગામથી આગળ પણ માંડવીપરા ગામ છે, તેને ખાલી કરવું પડશે. ત્યાં સ્વામીનારાયણ મંદિરની થોડી જમીન છે. જો રેલવે આ ગામની બાજુમાં દરિયાકિનારે કિનારે જાય તો બે કામ થાય. દરિયાનું પાણી એ પાળાથી અટકી જાય એટલે જમીન ફળદ્રુપ રહે, જમીનની ખારાશ અટકી જાય અને રેલવે થાય. પણ સાંભળ્યું છે કે રેલવે દરિયાથી દૂર થાય છે એટલે કુરેશીભાઈએ દિલ્હી રેલવે તંત્ર સાથે સંપર્ક સાધવા લખ્યું. માણેકલાલભાઈને પણ મળે છે. (તે વખતના ગુ. સરકારના મંત્રી) તા. ૩૦-૧૨-૫૬ : હેબતપુર
બાવળિયારીથી નીકળી હેબતપુર આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો પંચાયતના મકાને રાખ્યો. ગામલોકોએ સ્વાગત કર્યું. સામતભાઈ સાંજના આવી ગયા હતા. અહીંનું તળાવ સારું છે. નિશાળ સારી બનાવી છે. રાત્રે જાહેર સભામાં બહુ મોટી મેદની આવી હતી. ગામમાં દારૂ ઘણો પીવાય છે. તે અંગે નાનચંદભાઈએ સખત ટકોર કરી. મહારાજે દેશ દુનિયાના બનાવોનો ખ્યાલ આપી, ગામડાના સંગઠનમાં સૌને ભળી જવા કહ્યું હતું. તા. ૩૧-૧૨-૫૬ : સાંગાસર
હેબતપુરથી નીકળી સાંગાસર આવ્યાં. અંતર ચાર માઈલ હશે. ઉતારો જૂની નિશાળમાં રાખ્યો હતો. ગામલોકો સ્વાગતની તૈયારી કરતાં હતાં ત્યાં અમે આવી ગયાં. રસ્તામાં લોકોએ માટી માટે તોડેલી તળાવની પાળ અમે જો ઈ. તે અંગે ગામને ઠપકો આપ્યો અને આવું ન બને તે માટે ગામે બંદોબસ્ત કરવા કહ્યું.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું