________________
પ્રથમ આપવું પડે છે પછી જ લેવાનું મળે છે. આપણો પ્રેમ પવિત્ર થાય. દુનિયાની શાંતિમાં ભાગ લઈએ તો આપણું કલ્યાણ થવાનું છે. આટલી મોટી સંખ્યામાં બહેનો તે દિવસે પણ આવેલાં અને આજે પણ આવ્યાં તે તેમની ભક્તિ બતાવે છે. બાળકો સાથે હોય તો કલબલ પણ કરે છતાં પણ સારી શાંતિ રહી તેથી આનંદ થાય છે. તમો ખૂબ પ્રેમ અને આનંદથી રહેજો.
આજે બપોરે ત્રણેય મુનિઓ જમતાં-જમતાં સવારના પ્રવચનમાંની ત્રિસૂત્રી અંગે વાતો ચાલી. તેનો સાર એ હતો કે -
જગત છે ત્યાં સુધી કોઈ ને કોઈ પ્રકારે રાજ્ય રહેવાનું છે. જો રાજય રહેવાનું હોય તો સારામાં સારી પદ્ધતિ લોકશાહીની છે. એ લોકો શાહી કેવી હોય તો કહ્યું, લોકલક્ષી લોકશાહી એની સ્થાપના નૈતિક પાયા ઉપરનાં ગ્રામસંગઠનો જ કરી શકશે. ગામડાંઓ સામાજિક, આર્થિક બાબતમાં સ્વતંત્ર રીતે સંગઠિત થઈને (નૈતિક પાયા સાથે) કોંગ્રેસમાં જવું જોઈએ. અને લોકલક્ષી લોકશાહીને ધાર્મિકતાનો પુટ આપવા માટે, સત્ય અને અહિંસાની વ્યાપકતા માટે, ધર્મલક્ષી લોકશાહી બનાવવી જોઈએ. આને માટે પ્રાયોગિક સંઘો અને સાધુ-સંતોની મદદ જોઈએ. તેનાં વ્યવસ્થિત મંડળો હોવાં જોઈએ અને છેલ્લે વિશ્વવ્યાપી લોકશાહી બનાવવી પડશે. તેને માટે કોંગ્રેસને મજબૂત બનાવવી પડશે.
સવોદય વિચારવાળા કહેશે, અમે સંગઠનમાં માનતા નથી પણ આજે શહેરોનાં સંગઠન થઈ ગયાં છે, તેનું શું ? એ બધાં અર્થપ્રધાન સંગઠનો છે. તેને કાં તો તોડો, કાં તો દિશા બદલાવો, કાં તો નવાં નૈતિક સંગઠનો ઊભાં કરો. સંગઠનથી જ સંગઠનને તોડી શકાય, કાં સુધારી શકાય. કાંટો કાઢવા માટે વધારે તીક્ષ્ણ હથિયાર જોઈએ. હીરો કાપવા હીરો જ જોઈએ પણ તેને પકડનાર હાથ પણ જોઈએ. માત્ર વાતો કરવાથી કોઈ વસ્તુ અટકવાની નથી. કાંઠે ઊભા રહીને તરતાં નહીં શીખવાડી શકાય. અંદર પડીને જ શીખી-શીખવાડી શકાય. રાજ્ય ખરાબ છે. અગર નહીં જોઈએ. એમ કહેવાથી સારું થવાનું નથી. તેમ હયાતી મટવાની નથી. તો તેને સુધારવાની પ્રક્રિયા ઊભી કરવી જોઈએ, કાં તો એથી સારી નવી રચના ઊભી કરવી જોઈએ. તાદાભ્ય વિના સાચી તટસ્થતા આવી શકે જ નહિ. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૨૧