________________
પોપટસંગભાઈ અહીંના વતની છે. તેઓ આગળથી આવી ગયા હતા. રાત્રે સભા સારી થઈ હતી. બહેનો પણ આવ્યાં હતાં. ખેડૂત મંડળના સભ્યો છે. પણ સહકારી મંડળી મંડળ નીચે નથી.
બપોરના ગામલોકો સાથે વાતો કરી. બે ભાઈઓને જમીનની હદ સંબંધી ઝઘડો હતો. તે પ્રશ્ન મહારાજશ્રી પાસે આવ્યો. લવાદ દ્વારા તેનો નિકાલ થયો. લખાણ થઈ ગયું. તા. ૨૫-૧૨-૫૬ : ધોલેરા
આમળીથી નીકળી ધોલેરા આવ્યાં. અંતર ચાર માઈલ હશે. ઉતારો દવાખાનામાં રાખ્યો હતો. થોડા ભાઈઓએ સ્વાગત કર્યું. વચ્ચે ભાદરનું નાળું ઓળંગ્યું. સાવ તૂટી ગયું છે. પાણી વહેતું છે. મણિબહેન સવારમાં ગયાં.
રાત્રે ગાંધી મંદિર પાસે જાહેરસભા થઈ. સારી સંખ્યામાં લોકો આવ્યા હતા. મહારાજશ્રીએ ગ્રામસંગઠન, વિશ્વશાંતિ માટે શું કરવું તે અંગે જણાવ્યું હતું. તા. ૨૬-૧૨-૫૬ : પાંચીનાર
ધોલેરાથી નીકળી મૂંડી થઈને પાંચીનાર આવ્યા. અંતર સાડા પાંચ માઈલ હશે. ઉતારો એક પટેલીયાના ઘરે (મંદિરમાં) રાખ્યો હતો. ગામલોકોએ વાજતે-ગાજતે સ્વાગત કર્યું. ઘણાં વખતે પાંચીગામ આવવાનું થાય છે. મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું. આ બધો પાણીનો દુ:ખિયો પ્રદેશ છે. સમુદ્રના સૂકા કાંઠાનું ગામ છે. આટલી બધી મુશ્કેલીઓ વચ્ચે તમે રહો છો. આપણા દેશમાં આવાં દુઃખીયાં ગામો ઘણાં છે. થોડાં શહેરો મોજથી રહે છે પણ આમ તો બધે દુઃખ જ છે. તા. ૨૭, ૨૮-૧૨-૫૬ : મિંગલપુર (નવું ગામ)
પાંચીનારથી નીકળી મિંગલપુર આવ્યાં. અંતર નવ માઈલ હશે. વચ્ચે ભાણગઢ આવ્યું. ત્યાંના લોકો મળ્યા. ખૂબ પ્રેમ બતાવ્યો. મિંગલપુરમાં લોકોએ વાજતે-ગાજતે ભવ્ય સ્વાગત કર્યું. બીજી મંડળી પણ હતી. આખું ગામ ઉમટ્યું હતું. બહેનોની હાજરી ધ્યાન ખેંચતી હતી. તેઓ ગીતો ગાતાં હતાં. જોકે અડધી વસ્તી રોજી માટે બહારગામ ચાલી ગઈ છે. અહીં ગણોતધારા શુદ્ધિપ્રયોગનું બીજી વખત કેન્દ્ર ચાલુ છે. તેથી મહારાજશ્રીનું આગમન થયું છે. સાથે બન્ને મારવાડી મુનિઓ પણ છે. જંયતીભાઈ પણ છે. મેવાડી સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૯