________________
સંતબાલ વિચાર કણિકાઓ
• રાજકારણને ધર્મથી કેવી રીતે જુદું પાડું! જેમ આપણા શરીરમાં જુદાં જુદાં અંગ છે, તેમ રાજ્ય પણ સમાજનું એક અંગ છે, અને એ અંગને જુદું પાડીએ તો કચરો ભરાઈ જાય છે. • ખેડૂત મંડળ દરેક પ્રજાનું છે. તે સૈદ્ધાંતિક વિચારે છે અને ગામડાની નેતાગીરી લાવવી હોય તો ગામડાનું સ્વરાજ પ્રથમ લાવવું જોઇએ. દરેકને ન્યાય અને રોટલો મળે તો જ ગામડાનું સ્વરાજ્ય આવે.. (તમારું) મંડળ જો નીતિના પાયા ઉપર ઊભું હશે તો તેના સિદ્ધાંતો કદી મરનાર નથી. • સારંગપુર પ્રશ્ન એ મંદિરનો પ્રશ્ર હોવાથી મારા મનમાં બેવડી ચિંતા હતી. આજ સુધી ધર્મસંસ્થાઓ પાસેથી પ્રેરણા મેળવી આચરણ કરતા હતા. હવે આજની પરિસ્થિતિમાં ઘણો ફરક પડયો છે. એનું પ્રાયશ્ચિત એક ધર્મ સંસ્થાના સભ્ય તરીકે મારે લેવું જોઈએ. • સાર્વજનિક પ્રવૃત્તિ માટે સહકારી પ્રવૃત્તિ ખીલવવી પડશે. હવે ફંડફાળાથી પ્રવૃત્તિ નહીં ચાલે. પણ સહકારી પ્રવૃત્તિ દ્વારા નાણાં ઊભાં કરવાં પડશે. • ચારિત્ર્યભ્રષ્ટ લોકોને આપણી સંસ્થામાં એક ક્ષણ વાર પણ સ્થાન ન હોવું જોઇએ. • “સબસે ઊંચી પ્રેમ સગાઈ' - એ પ્રેમ કેવી રીતે સફળ થાય? રોટલો પ્રેમથી મળે, તમે ઊંડા ગામડાંમાં રહો છો, દુઃખમાં પણ સુખ માનો છો, એ જોઇને આનંદ થાય છે. ઉત્સાહ પણ થાય છે. ભારતમાં આવાં ગામડાંમાં રહેલી પ્રજાય છે, તે જ એની વિશેષતા છે. મારવાડી મુનિઓ અને મને થયું કે, એક તો અમે ત્યાગ કરાવીએ છીએ, તપ કરાવીએ છતાં આટલી બધી ભક્તિ અને ઉત્સાહ કેમ થાય છે. નહીં તો લોકો અમારાથી દૂર ભાગે. પણ તમે આ રીતે વર્તો છો એમાં ભગવાનની ઇચ્છા હશે. તપ અને ત્યાગ તરફ વળીશું ત્યારે આપણું કલ્યાણ છે. તમે પ્રેમ - ભક્તિ બતાવ્યાં તેની અમારા મન પર ઊંડી છાપ પડી છે. એક જ પ્રાર્થના કે તમે ભક્તિ અને ત્યાગ બે ટકાવી રાખો અને જગતમાં જે સારાં કામ થઇ રહ્યાં છે તેમાં તમારો હિસ્સો નોંધાવો.
(ડાયરીમાંથી)
દીપક પ્રિન્ટરી
અમદાવાદ-૩૮OO૦૧.