________________
તા. ૧૩-૬-૫૮ :
આજે બપોરે આગેવાન સહકાર્યકરોની મિટિંગ દોઢથી ત્રણ વાગ્યા સુધી રાખી હતી. તેમાં ભાલના પ્રયોગો, શુદ્ધિપ્રયોગો અને અહિંસક સમાજરચનામાં બહેનોનું સ્થાન એ વિશે ઘણી સારી ચર્ચાઓ થઈ હતી. ચાંદીવલીથી અમૃતલાલ શેઠનાં પત્ની વગેરે દર્શને આવ્યાં હતાં. સાંજે મુંબઈ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કે. કે. શાહ મળવા આવ્યા હતા. તેમણે મુંબઈની કૉંગ્રેસની સ્થિતિ અને દ્વિભાષી વિશે વાતો કરી હતી. વાતો ચાલતી હતી તેવામાં ચિઠ્ઠી આવી કે શ્રી મેનનનું પ્લેન ઊતરી રહ્યું છે એથી તેઓ ફરી મળવાનું કહીને ગયા.
ચૈતન્ય કરીને એક વૃદ્ધ ભાઈ ગઈકાલે મળવા આવ્યા હતા. બપોર પછી તેઓ પૂ. નાનચંદ્રજી મહારાજને મળવા ગયા હતા. રાત રોકાઈને બીજે દિવસે પાછા આવ્યા અને ભાલ નળકાંઠાની પ્રવૃત્તિઓ વિશે ઘણી વાતો સાંભળી. તેઓ પહેલાં જૈન સાધુ હતા. ઘણા હોશિયાર અને કર્મયોગી હતા. એટલે સેવા કરવાની ભાવના ઘણી. જૈનોને આ કેમ ગમે ? એટલે સાધુ વેશ છોડીને આ કામ કરવા માંડ્યું. પણ પૈસા માટે સટ્ટાનો ધંધો પણ કર્યો હતો. સાત્વિક વૃત્તિના છે. હમણાં વિનોબાજીના વિચાર પ્રમાણે રહે છે. બનારસ પાસે એક આશ્રમમાં રહે છે. તેમની સાથે એક બ્રહ્મચારી સેવક છે. વિનોબાજીએ તેમને જિલ્લાના ભૂદાન કાર્યકર નીમ્યા છે. તા. ૧૪-૬-૫૮ :
આજે બ્રહ્મપુરીથી વિહાર કરી અંધેરી સ્ટેશન પાસેની જૂની રેશનિંગ ઑફિસમાં આવ્યા. અંતર બે માઈલ હશે. દામોદરભાઈનું બધું કુટુંબ સાથે આવ્યું હતું. રસ્તામાં કોંગ્રેસ મંડળ સમિતિ અને બીજાં જૈન-જૈનેતર ભાઈબહેનો સ્વાગત માટે આવ્યાં હતાં. તે મળ્યાં અને સાથે જ આવ્યાં. નિવાસે આવ્યા પછી મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું હતું.
મહાત્મા ગાંધીના પુત્ર શ્રી મણિલાલ ગાંધીનાં પત્ની શ્રી સુશીલાબહેન, તેમના પુત્ર અને પુત્રવધૂ, કિશોરલાલ મશરૂવાળાનાં પત્ની શ્રી ગોમતીબહેન મહારાજશ્રીને મળવા આવ્યાં હતાં. સુશીલાબહેન આફ્રિકા રહે છે અને મણિલાલ ગાંધીના મૃત્યુ પછી ‘ઇન્ડિયન ઓપિનિયન' છાપું અને બીજી પ્રવૃત્તિઓ ચલાવે છે. તેમના દીકરાના લગ્ન હોવાથી દેશમાં આવ્યાં છે. ૨૦૬
સાધુતાની પગદંડી : પુસ્તક – છડું