________________
પટ્ટો દેખાય છે. ત્યાંથી બંધ નંખાશે. માટીનો બંધ થશે. ૧૫૦૦ ફૂટ પહોળો પાયો થશે. ઉપર ૩૦ ફૂટ રહેશે.
ઊકાઈ ગામના લોકોએ મહારાજશ્રીને વિનંતી કરી કે અમારી જમીન, મકાનો વગેરે પાણીમાં જશે તો અમને બદલામાં પૈસા નહિ પણ જમીન મળે તેવું કરશો એવી વિનંતી છે. મહારાજશ્રીએ એન્જિનિયરો અને કાર્યકરોને આ સંબંધમાં કાળજી રાખવા કહ્યું. આ લોકોને વાચા નથી તેમ પૈસા દારૂમાં વપરાઈ જાય એટલે જમીન મળે તે જરૂરી છે. આ માટે કાર્યકરોએ એક સંસ્થા બનાવી છે.
ત્યાંથી સડકે સડકે અમે સોનગઢ આવ્યા. ડામર રોડનું કામ ચાલુ છે. વચ્ચે યોજનાના મકાનો આવ્યાં. જંગલો છે તે કટિંગ થાય છે અને વચ્ચે રસ્તો બનાવ્યો છે. દૂર સુધી આવી શાળાનાં બાળકોએ સ્વાગત કર્યું. ત્યારબાદ ગામના પાદરે હાઈસ્કૂલના બાળકો અને બાલિકાઓએ ગાર્ડ ઑફ ઑનર આપ્યું. બૅન્ડે સલામી આપી. એક પારસી બહેને જૈન વિધિ પ્રમાણે પાટલાં ઉપર ચોખા, શ્રીફળ મૂકી મહારાજશ્રીનું સ્વાગત કર્યું. પછી સરઘસાકારે સૌ ગ્રામસેવા મંડળની ઑફિસે જયાં અમારો મુકામ હતો ત્યાં આવ્યા.
ખાનદેશથી બાલુભાઈ મહેતા અને રતિભાઈ અહીં મહારાજશ્રીને મળવા આવી ગયા. કેટલીક વાતો થઈ. બાલુભાઈ સાંજે ગયા. રતિભાઈ અમારી સાથે રહ્યા.
બપોરે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ અને નાગરિકો સમક્ષ પ્રવચન રાખ્યું હતું. પ્રશ્નોત્તરી પણ થઈ હતી. રાત્રે જાહેરસભા થઈ હતી. તા. ૨૧-૧-૫૮ : ભાડભૂજ
સોનગઢથી નીકળી ભાડભૂજ આવ્યા. બાબુભાઈ અથવા બાલુભાઈ મહેતા પશ્ચિમ ખાનદેશના ગાંધી કહેવાય છે.
બહુ જ જૂના ગાંધીવાદી રચનાત્મક કાર્યકર છે, ત્યાગી છે અને હમણાં સંત વિનોબાજીની ગ્રામદાન પ્રવૃત્તિમાં સક્રિય રસ લઈ રહ્યા છે. અમારો પ્રવાસ કાર્યક્રમ તેઓ સાથે મળીને ગોઠવાયો હતો. સુરત જિલ્લાના કાર્યકરોએ મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ સુધી આવી ભાવભીની વિદાય આપી હતી.
૧૭૮
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું