________________
સાથે સુંદર ગીતો ગાતી હતી. સરઘસાકારે સૌ નિવાસસ્થાને આવ્યા. આજે મહારાજશ્રીને મૌન હતું પણ અહીં એક જ દહાડો રહેવાનું હતું એટલે કાર્યકરોના ખાસ કરીને મનુભાઈના પ્રેમાગ્રહને લઈ લખાણ અગિયાર વાગ્યે પૂરું કર્યું અને બપોર પછી મૌન છોડ્યું હતું. આ આશ્રમ પણ નદીકિનારે જ છે. અહીં આશ્રમની ૪૦ એકર જમીન છે, કૂવો છે. કૂવા ઉપર મશીન પણ છે. પાણી પીવાનો બીજો કૂવો છે પણ પાણી ઓછું છે એટલે ત્રીજો કૂવો ખોદાઈ રહ્યો છે. દાદા પૂ. રવિશંકર મહારાજ મદદ કરી રહ્યા છે.
બપોરના જુગતરામભાઈ, બબલભાઈ મહેતા, ચુનીકાકા વગેરે આવ્યા. આ રીતે ત્યાગી અને પવિત્ર પુરુષોનો સુંદર સંયોગ થયો હતો. બબલભાઈને પગે વાગ્યું હતું એટલે થોડા મોડા આવ્યા. અઢી વાગે બહેનો સમક્ષ પ્રવચન અને પ્રશ્નોત્તરી થઈ હતી. પ્રવચનમાં મહારાષ્ટ્રમાં જવાનું કારણ વિગતે જણાવ્યું હતું. અંબુભાઈએ ભાલની પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો હતો. ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. મઢી આશ્રમની બહેનો પણ આવી ગઈ હતી. મનુભાઈએ મહારાજશ્રી વિશે ઘણી વાતો કરી હતી. તેમાં એક વાત શતાવધાનની હતી. આશ્રમવાસીઓને વધુ રસ તો અવધાનના પ્રયોગોમાં આવ્યો હતો. મહારાજશ્રીએ પાટિયા ઉપર લખીને કેટલાક પ્રયોગોની સમજણ આપી હતી. અમુક સાલમાં અમુક મહિનાની અમુક તારીખે કયો વાર હતો તે ગણતરીથી કરી બતાવ્યું. ચાર સંખ્યાને ચાર સંખ્યાનો ગુણાકાર મોઢે શી રીતે થાય તે કરી બતાવ્યું હતું. અગિયાર કાંકરા બે હાથમાં વહેંચીને ડાબા જમણામાં કેટલાં છે તે પણ કરી બતાવ્યું. આ ગણિતની અને એકાગ્રતાની વાત છે, કોઈ ચમત્કાર નથી. વાત્સલ્યધામને પોતાનો પરિવાર સમજી આ બધું દર્શાવ્યું. તા. ૬, ૭, ૮-૧-૫૮ : મઢી
વાત્સલ્યધામથી મઢી આવ્યા. અંતર અઢી માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. અમારી સાથે જુગતરામભાઈ, શિવાભાઈ વગેરે આવ્યા હતા. ગામલોકોએ બહુ દૂર સુધી સાથે આવી સ્વાગત કર્યું. શાળાના બાળકો પ્રથમ આવ્યા, પછી નાગરિકો અને બહેનો આવ્યાં. વાજતે ગાજતે સરઘસાકારે સૌ ગામમાં આવ્યા. જૈન બહેનોએ સંખ્યાબંધ ઠેકાણે તેમની વિધિ મુજબ (બહુલ) સ્વાગત કર્યું. આ તેમનો ભાવ દેખાઈ આવતો હતો. જુગતરામભાઈ અને શિવાભાઈને માટે આ નવીન વસ્તુ હતી. ૧૬૬
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું