________________
તા. ૨૭-૧૧-૫૭ : વડવા આશ્રમ
ખંભાતથી નીકળી અમે સવા કલાક આશ્રમમાં રોકાયા હતા. આશ્રમનું વાતાવરણ ઘણું પવિત્ર અને કુદરતમય લાગ્યું. ટેકરા ઉપર વિશાળ જગ્યામાં ભવ્ય બાંધકામ કરેલું છે. ત્રણ મોટા દરવાજા છે. મકાનો ને શ્રીમદ્નું મંદિર છે. પ્રાર્થના રૂમ છે. લાઈબ્રેરી, રસોડું વગેર છે. ટેકરી ઉપર હોવાને કારણે ખંભાત અને આજુબાજનો દેખાવ સુંદર લાગે છે. આશ્રમ સકરપુર ગામમાં છે. અહીં સુધી ખંભાતનાં છૂટાં-છૂટાં મકાનો આવે છે. આશ્રમમાં શ્રીમી પાઘડી, તેમનાં ભોજનનાં વાસણો, તેઓ સૂતા હતા તે પલંગ, આત્મજ્ઞાન મળ્યું તે વૃક્ષનું લાકડું વગેરે સ્મરણો સાચવી રાખ્યાં છે. તેમના ફોટા જુદી જુદી ઉંમરના, તેમના ભક્તો, ભાઈશ્રી પોપટભાઈ અને બીજાના ફોટા પણ છે. ભોંયરામાં ભગવાન પાર્શ્વજીની મૂર્તિઓ છે. ત્યાં સુવાક્યો કોતર્યાં છે. રસોડું પણ ચાલે છે. કોઈપણ જિજ્ઞાસુને ત્રણ દિવસ રહેવા દેવામાં આવે છે. વધુ રહેવું હોય તો ટ્રસ્ટીઓની મંજૂરી મેળવવી પડે છે. સ્થળ રહેવા જેવું છે.
ખંભાતમાં અકીકના પથ્થરનું કામ. બીજા કિંમતી પથ્થરનું કોતરકામ ઘણું ચાલે છે. પથ્થર બહારથી આવે છે. આ પથ્થર લોકો પકાવે છે એટલે જુદા જુદા રંગ પકડે છે. એમાંથી દરેક સાઈઝના મણકા, લાંબા, ગોળ, ચપટા, ચોરસ, લંબચોરસ એમ બનાવે છે. હજારો કારીગરો આ કામ કરે છે. નાના નાના છોકરા પણ આ કામ કરે છે. એક અણીવાળી કોશ ત્રાંસી ભોંયમાં ચોડી હોય છે. માણસ તેની ઉપર પેલો નાનો પથ્થર એક હાથે ટીપે છે અને બીજા હાથે એક જણ હથોડીનું માથું ચાર ઈંચની ચૂંક જેવું લાંબું હોય છે, તેને ટીપે છે અને પથ્થરને ગોળ કરી દે છે. પછી તેને સાર પાડવો, પૉલીસ કરવું એમ જુદી જુદી ક્રિયા કરે છે. ફકીર લોકો કેરબાની લાલ-પીળી માળા પહેરે છે. તે અહીં બને છે. આ બધો માલ દેશ-પરદેશ આફ્રિકા પણ ચઢે છે. આફ્રિકાની આદિવાસી પ્રજા આને ઘરેણાં તરીકે વાપરે છે. સો નંગનો ભાવ ૪૦ રૂપિયા લગભગ હોય છે. સરકારે આને લક્ઝરી ગુડ્સ ગણ્યો છે એટલે વધારે પરિમટો ઓછી આપે છે. ખરેખર તો એ ગ્રામઉદ્યોગ જ છે.
ખોટા હીરા, લાલ, પીળા-લીલા વગેરેનો ઉદ્યોગ પણ ચાલે છે. બર્માથી પથ્થર લાવે છે. ઝવેરી સિવાય આ નંગોની પરીક્ષા થઈ શકતી નથી. ખોટાં હીરા પણ સાચા જેવા લાગે.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૨૩