________________
પ્રથમ બાળકોએ ભજન ધૂન ગાયા પછી નહેરુચાચાનું ગીત ગાયું હતું. ત્યારબાદ મહારાજશ્રીએ બાળકો સમજી શકે તેવી ભાષામાં જણાવ્યું હતું કે, તમો બધાં નહેરુદિન અંગે ભેગાં થયાં છે. ગાંધીજીએ કહ્યું, જીવતાં માણસની જયંતી ઉજવવી તે સારું નથી. એટલે મને વહાલા એવાં રેંટિયાની જયંતી ઉજવો. પંડિતજીએ કહ્યું, મને વહાલાં બાળકો છે. તો મારી જયંતીને બદલે બાળદિન ઊજવો. તમો બધાં નહેરુચાચાના ગુણ કેળવો. તેઓ ગુસ્સે થઈ જાય છે પણ પાછા ક્ષમા માગી લે છે. દેશમાં અને દુનિયામાં શાંતિ સ્થાપવા માગીએ છીએ. તેઓ ત્યાગી છે એવાં તમો બનજો. તમો બધાં મોટાં થશો ત્યારે વડીલોની અને દેશની સેવા કરજો. વિનયી અને વિવેકી બનજો.
બપોર પછી ભાલ નળકાંઠા ખેડૂતમંડળની મધ્યસ્થ સમિતિની મિટિંગ મળી. ઘણી મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા. છાત્રાલયના મકાનમાં સભા મળી. સૌ પ્રથમ ખાંભડાના પીતાંબર પટેલના થયેલા ખૂન અંગે અંબુભાઈએ તેમને અંજલિ આપી. તેઓ ખેડૂતમંડળના મધ્યસ્થ સમિતિના સભ્ય હતા અને મંડળને તન, મનથી મદદ કરતા હતા. અન્યાય સામે ઝઝૂમનાર તેઓ વીર હતા. તેમની શહીદી અંગે પ્રમુખસ્થાને અંજલિ આપતો ઠરાવ રજૂ થયો. સભાએ સવાનુમતે પસાર કર્યો અને ઊભા થઈ બે મિનિટ મૌન પાળી, મરનારના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી.
ત્યારબાદ અંબુભાઈએ મંડળનો ઇતિહાસ રજૂ કર્યો. નૈતિક ભાવોના પ્રશ્નમાંથી મંડળની ઉત્પત્તિ થઈ પછી તો બનાસને બીટ સોલાપુરી જુવાર, કમોદનો સંગ્રહ, અન્યાયનો પ્રતિકાર એમ પ્રગતિ કરતું ગયું.
જગ્યા સાંકડી પડવાથી સભા આંબાવાડીમાં બેઠી. તેમાં બનાસકાંઠાના ધારાસભ્ય અને ખેડૂત મંડળના પ્રમુખ શ્રી ગલબાભાઈએ પ્રવચન કરતાં જણાવ્યું કે, આપણે સરકાર ઉપર આધાર રાખીને બેસી રહીશું તો કોઈ કામ થવાનું નથી. ગામડામાં જે શ્રમજીવીઓ છે. તેઓ જાગશે તો જ દેશનું ભલું થશે. શ્રદ્ધા અને સંગઠન બે બળ ઉપર મહારાજશ્રી જોર આપે છે, તેને તમે અપનાવજો .
ત્યારબાદ ગોહિલવાડ જિલ્લા લેઉઆ જ્ઞાતિ સમાજના પ્રમુખશ્રી જીવણભાઈએ બોલતાં જણાવ્યું કે, આપણે બધાંએ જાગૃત થવું જોઈએ. મહારાજશ્રીને સંતોષ આપવો જોઈએ.
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૧૦૭