________________
કવિએ કહ્યું, “નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે...'. પ્રહલાદે પિતાને ત્યજયા એનો અર્થ કે પિતાની ખોટી આજ્ઞાને તજી. પિતાની તો સેવા જ કરી. ભગવાન જ સૌથી મોટા છે. તેના કરતાં માનવી મોટો હોઈ જ કેમ શકે ? આટલા માટે પિતાનો સામનો કરવો પડ્યો. જો પિતાનો સામનો કરવો ત્યજી દીધો હોત તો બીજા લોકો સિદ્ધાંત વિરુદ્ધ હોય તેમનો સામનો હોય જ નહીં. એટલે આવા વિચારના લોકો સમાજને કલ્યાણકારી છે પણ કામ અઘરું છે. અમારી સાથેય કદાચ વિરોધ થઈ જાય અને જયાં ટોળાશાહી હોય છે ત્યાં આ રીતે શું લડાશે ? એમ કલ્પીને સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવી પડે છે. ખરી રીતે એ મહોબ્બત નીપજવાની નથી એમ લાગે છે. એટલે કોઈ એક સિદ્ધાંતની ખાતર જીવતા થઈએ. તો ભાવિ વિચાર ધરાવનાર પણ વહેલા-મોડા આપણી સાથે આવે છે. સમય જતાં એ સમજી જાય છે કે એ આપણો દુશમન નથી મિત્ર છે. સિદ્ધાંત માટે જ એ લડે છે. બાપુજીએ ગોરા-કાળાના ભેદભાવ થતાં ત્યાં ગોરાઓને એમ જ કહ્યું હતું કે બંને માણસ છે. તમે કાળા માટે આટલા બધા ભેદભાવ શા માટે કરો છો ? સત્ય અને ન્યાયથી વર્તો. એટલે બ્રિટિશ લોકો સમજ્યા આ આપણો વિરોધી છે પણ જયારે વિશ્વયુદ્ધ આવ્યું ત્યારે ગાંધીને લાગ્યું કે બ્રિટિશરોનો કેસ સાચો છે. અને તેમણે તેઓને મદદ કરવાનું નક્કી કર્યું. આ ઉપરથી બ્રિટિશરોને ખાતરી થઈ કે આ માણસ અન્યાયની સામે લડતો રહે છે. કોઈ કોમ સામે લડનાર નથી. જનરલ સ્મસને પણ ખાતરી થઈ ગઈ અને તેણે ગાંધીજીનાં વખાણ કર્યા. તેઓ રાષ્ટ્રપિતા કહેવાયા. પણ આ સ્થિતિ દરેક માણસ માટે શક્ય નથી.
કેટલીક વાર સત્ય માર્ગે માણસ એકલો પડી જતો લાગે છે. બધી જગ્યાએ વિરોધ થાય. સાથીઓ પણ વિરોધી બને પણ સિદ્ધાંત પકડ્યો હશે તો છેવટે તેઓ અલગ રીતે નજીક આવવાના જ છે. પંડિતજી આમ તો એકલા છે પણ એ એકલતા બહુ નહિ દેખાય. તેમણે એક સિદ્ધાંત પકડ્યો છે એટલે એના જોરે એ દુનિયામાં કૂદે છે. એણે જૂથ જમાવ્યું નથી, છતાં દુનિયામાં પોતાની વાતો મૂકે છે. “એકલો જાને રે' વાળી વાત છે, છતાં દુનિયાના લોકો એને ચાહે છે. આ જ વાત આપણા જીવનમાં, કુટુંબમાં અને સમાજમાં લાગુ પડે છે. જો આપણે સિદ્ધાંતથી સત્ય અને પ્રેમથી ચાલતાં શીખીએ તો કેટલાંકને આજે નહીં ગમતી વાત વખત જતાં ગમશે અને તેની સાથે પ્યાર કરશે. સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
1