________________
બે બોલ પગદંડીનો આ પાંચમો ભાગ પ્રકાશિત થઈ રહ્યો છે, તેનો મને આનંદ છે. આ ભાગમાં પણ સૌરાષ્ટ્રની ભૂદાનયાત્રા, સાથે કચ્છની યાત્રા પણ જોડાયેલી છે. પરંતુ કચ્છ યાત્રાની સ્વતંત્ર પરિચય પુસ્તિકા પ્રગટ થઈ છે તેથી આમાં એ વિભાગ આવરી લીધો નથી.
એક મહત્ત્વની કડી આ ગાળામાં જે ખૂટે છે તે પાલનપુરના ચાતુર્માસની. એ ગાળાની નોંધપોથીઓ હાથવગી નથી, પરંતુ ભવિષ્યમાં મળશે તો તે ગાળો પણ પૂરો કરી શકાશે.
ચોથા ભાગની જેમ આ ગાળામાં પણ ભૂદાન પ્રવૃત્તિ, ગ્રામ સંગઠન, વિવિધ સંમેલનો અને ગામ-ગામમાં ઊઠતા મતભેદો અને તેમાંથી થતાં મનદુ:ખો દૂર કરવાના ઘણા પ્રયત્નો થયા છે. અહીં તો માત્ર ઉલ્લેખપાત્ર હોય તેટલો ભાગ અથવા તો પ્રસંગો જ લીધા છે.
એક અતિમહત્વની ઘટના મહારાજશ્રીના આરોગ્ય અંગેની ગણાવી શકાય. તેમને વધરાવળ અને નાકના ઑપરેશનને કારણે અમારે ત્રણ માસ જેટલો લાંબો સમય ભાવનગરમાં વિતાવવો પડેલ. તે વખતની કાર્યકર્તાઓ અને લોકોની આત્મીયતા અને મહારાજશ્રી પ્રત્યેનો ભક્તિભાવ ક્યારેય ન ભૂલી શકાય તેવાં છે. ભાઈ જ. પુ. શાહ પણ આ દિવસોમાં અમારી સાથે હતા.
એવો જ બીજો પ્રસંગ ધોળકામાં ચાતુર્માસ પ્રવેશ પછીના સાત ઉપવાસ અને અમદાવાદમાં મહાગુજરાતના તોફાનો વખતે ખેડૂત મંડળે મોકલેલ ખેડૂત ટુકડીઓનું શાંતિસેના કાર્ય પણ નોંધનીય છે.
આ દિવસોમાં ભાઈ મનુભાઈ પણ વચ્ચે વચ્ચે આવી જતા, તેથી આ બધી પ્રવૃત્તિના સાક્ષીરૂપ પણ છે. તેમને હાથે આ પાંચમો ભાગ સંપાદન થયો છે, એટલે જ્યાં ક્યાંય પૂર્તિ કરવા યોગ્ય હશે ત્યાં તેઓએ કરી હશે.
મહારાજશ્રીની લોકોને ઘડવાની જે સ્વયંસૂઝ હતી તે પણ આમાંથી અનેક પ્રસંગોમાંથી ફલિત થાય છે.
સૌરાષ્ટ્રના પ્રવાસમાં વિશેષ કરીને ભૂદાન પ્રવાસમાં અને ખેડૂત સંગઠનમાં ભાઈ દુલેરાય માટલિયાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેઓ પૂર્વભૂમિકા અથવા તો તે માટેનું વાતાવરણ નિર્માણ કરી આપતા. અને તેનો યશ પોતાના ગુરુદેવને આપતા. ફરી વખત હું આ પ્રસંગે મારો આનંદ વ્યક્ત કરું છું.
- મણિભાઈ બા. પટેલ