________________
ભરડેસર-સજ્ઝાય-વિવેચન
૧૩૩ (આગમોમાં ઠાણાંગ-૯૮રની વૃત્તિ, નાયાધમ્મકહા-૧૭૪ થી ૧૭૬, અંતગડદસા આદિમાં કુંતીની કથા મળે છે.)
(૨૬) શિવા :
ચેડા મહારાજાને સાત પુત્રીઓ હતી, તેમાંની એક પુત્રી શિવા હતી. આ શિલવંતી મહાસતીના લગ્ન રાજા ચંડપ્રદ્યોત સાથે થયેલા. સત્યકી વિદ્યાધરના ઉપસર્ગ વખતે પણ શિવાદેવી શીયલમાં નિશ્ચલ રહેલા. ઉજ્જૈનીમાં પ્રગટેલ અગ્નિ પણ શિવાદેવીના હાથે પાણી છાંટતા શાંત થઈ ગયો હતો. છેલ્લે શિવાદેવીએ દીક્ષા લીધી. કેવળ પામી મોક્ષે ગયા.
(આગમોમાં આવશ્યક નિર્યુક્તિ-૧૩૦૩, ૮૭ની વૃત્તિ અને પૂર્ણિમાં આ કથા વિસ્તારથી આપેલી છે.)
(૨૭) જયંતી :
સહસ્ત્રાનિક રાજાની પુત્રી, શતાનિક રાજાની બહેન, મૃગાવતી રાણીની નણંદ તથા શ્રમણ ભગવંત મહાવીરના શ્રમણોના પ્રથમ શય્યાતર એવા જયંતિ શ્રાવિકા હતા. જીવાજીવાદિ તત્ત્વોની જ્ઞાતા હતી. ભગવંતને તેણીએ વિવિધ પ્રશ્નો પૂછી પોતાની તત્ત્વજિજ્ઞાસા સંતોષેલી હતી. છેલ્લે ભગવંત મહાવીરના શાસનમાં દીક્ષા લઈ મોક્ષે ગયા.
(ભગવતી સૂત્ર-પ૩૪ થી ૫૩૬, બૃહત્કલ્પભાષ્ય-૩૩૮માં આ કથા છે.) (૨૮) દેવકી શ્રાવિકા :
વસુદેવની અનેક પત્નીઓમાં એક એવી દેવકી' હતા. તેણી કૃષ્ણ વાસુદેવ અને ગજસુકુમાલ આદિ આઠ પુત્રોની માતા હતા. પણ તેના પહેલા છ પુત્રોનો ઉછેર સુલતાને ત્યાં થયેલો હતો. દ્વારકા બળી ગઈ ત્યારે કૃષ્ણ અને બલદેવ સાથે રથમાં જતા એવા દેવકીના માથે નગરનો દરવાજો પડતા દટાઈને મૃત્યુ થયેલું. સમ્યક્ત્વ મૂળ બારવ્રતધારી આ શ્રાવિકા મરીને દેવલોકે ગયા. તેણી આવતી ચોવીસીમાં મુનિસુવ્રત નામે તીર્થંકર થશે.
(આગમોમાં આ કથા સમવાય-વૃત્તિ, અંતગડદસા, નિશીથ ભાષ્ય, આવશ્યક નિર્યુક્તિ-૭૨૪ની વૃત્તિ, ચૂર્ણિ, ઉત્તરાધ્યયનમાં આવે છે.)
(૨૯) દ્રૌપદી :
દ્રૌપદી પાંચ પાંડવોની પત્ની હતા. તેના પૂર્વભવોમાં નાગશ્રીના ભાવમાં ધર્મરુચિ અણગારને કડવા તુંબડાનું શાક વહોરાવેલું તે કથા અતિપ્રસિદ્ધ છે. નાગશ્રીના ભવે મૃત્યુ પામી નારકી, તિર્યંચ, નારકી આદિ અનેક ભવોમાં ભ્રમણ કરી સુકુમાલિકાના ભાવે દીક્ષા લઈ, દેવલોક જઈને દ્રુપદ રાજાની પુત્રી થઈ, સ્વયંવરમાં પાંચ પાંડવોને વરી. નારદે કરેલા કપટથી પદ્મનાભ રાજાએ તેણીનું અપહરણ કર્યું ત્યારે પણ દ્રૌપદીએ પોતાના શીલની રક્ષા કરી હતી. પછી કૃષ્ણ વાસુદેવ તેણીને છોડાવી લાવેલા, છેલ્લે તેણીએ દીક્ષા લીધી અને પાંચમાં દેવલોકે ગયા. ત્યાંથી મહાવિદેહે જન્મ લઈ મોક્ષે જશે.