________________
૧૩૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
શ્રાવિકામાં થાય છે. કોઈ વખતે અલંકારાદિથી વિભૂષિત થઈ ભગવંત મહાવીરના વંદનાર્થે રાજા શ્રેણિક સાથે ગયેલા ચેલણા રાણી કેટલાક સાધુ-સાધ્વીને નિયાણુ બાંધવામાં નિમિત્ત બનેલા.
(આગમોમાં ભગવતીજી, અનુત્તરોપપાતિકદશા, નિરયાવલિકા, આવશ્યક વૃત્તિ, ચૂર્ણિ, દશાશ્રુતસ્કંધમાં આ કથા મળે છે.)
(૨૧) બ્રાહ્મી :
ભગવંત ઋષભદેવ અને સુમંગલાની પુત્રી અને ભરત ચક્રવર્તીની સગી બહેન હતી. આ બ્રાહ્મીને ભગવંતે લિપિ શીખવાડેલ. તેણી પ્રથમ સાધ્વી બન્યા બાહુબલીને પ્રતિબોધ માટે પણ ગયેલા હતા. કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. (ભગવંત ઋષભની કથામાં તેણીનું ઘણું વર્ણન છે.)
(જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ભગવતી, નિશીથભાષ્ય, વ્યવહાર ભાષ્ય, આવશ્યક નિર્યુક્તિની વૃત્તિ અને શૂર્ણિ આદિ આગમોમાં તેની કથા છે.)
(૨૨) સુંદરી :
ભગવંત ઋષભદેવ અને સુનંદાની પુત્રી અને બાહુબલીની સગી બહેન સુંદરી હતી. તેણીને દીક્ષા લેવી હતી, પણ ભરત ચક્રવર્તી તેણીને “સ્ત્રીરત્ન'રૂપે સ્થાપવા માંગતા હતા, તેથી દીક્ષા માટે અનુમતિ ન આપતા સુંદરીએ ૬૦,૦૦૦ વર્ષ આયંબિલનો તપ કર્યો હતો. તેના તપ અને ભાવ સામે ઝૂકી જતાં ભરતે દીક્ષાની અનુમતિ આપી સુંદરીને ભગવંતે ગણિતનું જ્ઞાન આપેલ. સુંદરી સાધ્વી પણ બાહુબલીને પ્રતિબોધ કરવા બ્રાહ્મી સાથે ગયેલા હતા.
(જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ, નિશીથભાષ્ય, બૃહકલ્પ ભાષ્ય, આવશ્યક નિર્યુક્તિ૧૯૬, ૩૪૪, ૩૪૮ તેના ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિમાં આ કથા વિસ્તારથી છે.)
(૨૩) રુકિમણી :
આ એક મહાસતીની કથા છે. કૃષ્ણ વાસુદેવના પટ્ટરાણી રુકિમણી સિવાયના આ રુકિમણી છે. (ભરહેરસર બાહુબલિ-વૃત્તિમાં વધારે કંઈ માહિતી આપેલ નથી. આગમોમાં બીજા રુકિમણી અમને મળેલ નથી.)
(૨૪) રેવતી શ્રાવિકા :
ભગવંત મહાવીરના સર્વે શ્રાવિકાઓમાં સુલતાની જેમ રેવતીનું નામ પણ પ્રસિદ્ધ છે. ભગવંતને ગોશાળા દ્વારા જ્યારે ઉપસર્ગ થયો ત્યારે સીંહ અણગાર રેવતી શ્રાવિકાને ત્યાંથી જ નિર્દોષ અને એષણીય કોળાપાક વહોરી લાવેલ. આ રેવતી શ્રાવિકા આગામી ચોવીસીમાં “સમાધિ' નામના સત્તરમાં તીર્થંકર થશે.
(આગમમાં - ઠાણાંગ-૮૭૦ની વૃત્તિ, ભગવતી-૬૫૫માં આ કથા છે.) (૨૫) કુંતી :
રાજા પાંડુની પત્ની, પાંચ પાંડવોની માતા એવા મહાસતી કુંતી કૃષ્ણ વાસુદેવના ફોઈ પણ હતા. પાંડવોની સુપ્રસિદ્ધ કથામાં કુંતીનું કથાનક જોવા મળે છે.)