________________
૧૧૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
આવી ગયા. તો પણ તે વેદનાને સમભાવે સહન કરી, ક્રૌંચ પક્ષીની જીવદયા ચિંતવી. શુક્લધ્યાનની ધારાએ તેઓ અંતકૃત્ કેવળી થઈ મોક્ષે ગયા.
(* આ કથા આગમમાં આવશ્યક સૂત્રની નિયુક્તિ-૮૬૫ થી ૮૭૦ની ચૂર્ણિ અને વૃત્તિમાં વિસ્તારથી આપી છે. મરણસમાધિમાં પણ છે.)
(૧૦) સ્થૂલભદ્ર :
નંદરાજાના મંત્રી શકટાલના પુત્ર હતા. તેને યક્ષા, યક્ષદત્તા આદિ સાત બહેનો હતી અને શ્રીયક નામે ભાઈ હતો. બાર વર્ષથી તેઓ કોસા નામે ગણિકાને ત્યાં જ મોહવશ રહેલા હતા. જ્યારે શકટાલ મંત્રીનું રાજ ખટપટને કારણે મૃત્યુ થયું, ત્યારે રાજાએ સ્થૂલભદ્રને મંત્રીમુદ્રા ગ્રહણ કરવા કહ્યું, સંસારની અસારતા વિચારી તેણે દીક્ષા અંગીકાર કરી સંભૂતિવિજયના શિષ્ય બન્યા. વિશિષ્ટ અભિગ્રહ સહ કોશાને ત્યાંજ ચાતુર્માસ કર્યું. કોસાને પ્રતિબોધ કરી - શ્રાવિકા બનાવી પાછા ફર્યા ત્યારે ગુરુ મહારાજે તેમને દુષ્કર-દુષ્કરકારક કહ્યા. તેઓ શ્રી ભદ્રબાહુસ્વામી પાસે ભણવા રહ્યા. દશપૂર્વનું જ્ઞાન મૂળથી અને અર્થથી પ્રાપ્ત કર્યું, પછી તેમની ભૂલને કારણે બાકીના ચાર પૂર્વેનું જ્ઞાન માત્ર સૂત્રથી પ્રાપ્ત થયું, છેલ્લા ચૌદ પૂર્વી થયા. અંતે તેઓ કાળધર્મ પામીને દેવલોકે ગયા. તેઓ બ્રહ્મચર્યની મિશાલ સમાન હતા. (આ કથા આગમોમાં આવશ્યક નિર્યુક્તિ-૯૪૪, ૯૫૦, ૧૨૮૩. ૧૨૮૪ની વૃત્તિમાં છે, ઉત્તરાધ્યયન નિયુક્તિ-૧૦૦ થી ૧૦૫, ૧૨૨ની વૃત્તિમાં છે. બૃહત્કલ્પ અને નિશીથભાષ્ય આદિમાં પણ છે.)
(૧૧) વજસ્વામી :
વજ્રસ્વામી પૂર્વભવમાં તિર્યક્ર્જ઼ભક દેવ હતા. અષ્ટાપદતીર્થે ગૌતમસ્વામી દ્વારા પ્રતિબોધ પામ્યા હતા. ત્યાંથી ચ્યવીને તુંબવન ગામમાં ધનગિરિ અને સુનંદાના પુત્રરૂપે જન્મ્યા હતા. તેના જન્મ પહેલાં જ પિતા ધનગિરિએ સિંહગિરિ પાસે દીક્ષા લીધેલી. જન્મતાં જ તેણે દીક્ષાના ભાવથી રડવાનું શરૂ કરેલ. જ્યારે ધનગિરિ ફરી તે ગામમાં વિહાર કરતા પધાર્યા ત્યારે બાળકના સતત રૂદનથી કંટાળેલી માતાએ તે બાળકને પિતામુનિ ધનગિરિને વહોરાવી દીધા. વજ્ર જેવો ભાર હોવાથી બાળકનું નામ વજ્રકુમાર રખાયું, જ્યારે વજ્રકુમાર ત્રણ વર્ષનો થયો ત્યારે તેની માતાએ સાધુમહારાજ પાસે પોતાના પુત્રને પાછો સોંપવા માંગણી કરી, ઝઘડો રાજ દરબારે પહોંચ્યો. રાજાએ બાળકની ઇચ્છાનુસાર ન્યાય આપ્યો. તે વખતે વજ્રકુમારે સુનંદાના આપેલા કોઈપણ પ્રલોભનોમાં ન પડીને માત્ર રજોહરણ-ઓઘો સ્વીકાર્યો.
સજ્જાતર શ્રાવિકાને ત્યાં ઉછરી રહેલા વજ્રએ સાધ્વીજીઓના મુખપાઠને શ્રવણ કરતા કરતા પદાનુસારિણી લબ્ધિથી અગિયાર અંગોને ધારી લીધા. એ રીતે તેઓ અગિયાર અંગશાસ્ત્રરૂપ આગમોના જ્ઞાતા બાલ્યવયમાં જ બની ગયા. તેમની વાસ્તવિક દીક્ષા પણ પછી થઈ. તેમના સંયમથી પ્રભાવિત થયેલા મિત્રદેવોએ વજ્રમુનિને આકાશગામિની અને વૈક્રિયલબ્ધિ પણ આપી. ત્યારપછી અનેક