________________
ભરહેસર-સજ્ઝાય-વિવેચન
શાસનપ્રભાવના પણ કરી. ભગવંત મહાવીરના તેરમાં પટ્ટધર એવા આ વજ્રસ્વામી છેલ્લે દુકાળ પડ્યો ત્યારે ૫૦૦ શિષ્યો સાથે અનશન કરીને દેવલોકે ગયા. * આગમોમાં આવશ્યક નિર્યુક્તિ, ચૂર્ણિ, વૃત્તિ, નિશીથ ભાષ્યચૂર્ણિ, મરણ સમાધિ મહાનિશીથ સૂત્ર, દશવૈકાલિક વૃત્તિ, ઉત્તરાધ્યયન વૃત્તિ આદિમાં આ કથા નોંધાયેલી છે.) (૧૨) નંદિષેણ મુનિ :
૧૧૫
* અમારા આગમ કથાનુયોગમાં ચાર નંદિષણની કથા નોંધાઈ છે. તેમાંના એક ‘નંદિષણ' મોક્ષે ગયા છે - તેની કથાનો સંક્ષેપ અત્રે રજૂ કરેલ છે.)
નંદિષેણે દીક્ષા ગ્રહણ કરી. ત્યારે દેવ વાણી થયેલી કે હજું તારે ભોગાવલી કર્મ બાકી છે. તો પણ ભવના ભયથી કાંપતા તેણે દીક્ષા અંગીકાર કરી. પોતાના ભોગકર્મોને ક્ષીણ કરવા માટે ઉગ્રતમ તપશ્ચર્યાઓ કરી, ત્યારપછી પર્વત પરથી પડીને આપઘાતનો પ્રયાસ કર્યો, ઝેર ખાઈ જોયું. એ રીતે આત્મ હત્યાના પ્રયાસો પણ નિષ્ફળ ગયા. તે વખતે પણ આકાશવાણી થઈ કે, હે નંદિષણ ! તારું અકાળે મૃત્યુ થવાનું નથી, આ તારો છેલ્લો ભવ છે, તું ચરમશરીરી છો. નિકાચિત ભોગફળ ભોગવ્યા વિના તારે છુટકો નથી. તેની ઉગ્ર તપશ્ચર્યાના પ્રભાવે તેને ઘણી લબ્ધિઓ ઉત્પન્ન થયેલી.
કોઈ વખતે તે વેશ્યાને ઘેર ગૌચરી ફરતા ફરતા જઈ ચડ્યા. તેણે ‘ધર્મલાભ' કહ્યો. વેશ્યા બોલી, હું ધર્મલાભને શું કરું, મારે તો ધન-લાભની આવશ્યકતા છે. તે સાંભળીને મુનિએ એક તરણું ખેંચ્યું, તેમની લબ્ધિના પ્રભાવે સાડાબાર કરોડ સુવર્ણની વૃષ્ટિ થઈ. તે જોઈને વેશ્યા તેને વળગી પડી. મુનિએ પણ ભોગફળના કારણે સ્ખલના પામીને તે વાત સ્વીકારી લીધી. પછી ગુરુ પાસે ગયા. ગુરુના ચરણમાં વેશને સમર્પિત કરી વિશિષ્ટ અભિગ્રહ ગ્રહણ કર્યો કે વેશ્યાને ત્યાં આવતા પુરુષોમાંથી મારે રોજ દશ-દશને પ્રતિબોધ કરવા. તેમ ન થાય ત્યાં સુધી મારે સંડાસ, પેશાબ, આહાર, પાણી અને વેશ્યાનો સંગ ન કરવો.
આવા ઘોર અભિગ્રહપૂર્વક વેશ્યાની સાથે રહ્યા. રોજ દશ પુરુષોને ઉપદેશ આપી, ધર્મ પમાડી ભગવંત પાસે મોકલવા લાગ્યા. એમ કરતા એક-બે માસ નહીં, પણ પુરા બાર વર્ષો પસાર થઈ ગયા. પણ આખરે એક દિવસ એવો આવ્યો કે નવ પુરુષો પ્રતિબોધ પામ્યા પછી દસમો સોની આવ્યો તે કેમે કરીને બોધ પામતો ન હતો. વેશ્યાએ ત્યારે મજાક કરી કે “દસમાં તમે’' આ વાક્ય સાંભળતા જ તેની મોહનિદ્રા તુટી ગઈ. પુનઃ દીક્ષા ગ્રહણ કરી. તે જ ભવે કર્મો ખપાવી મોક્ષે ગયા. (* આગમોમાં મહાનિશીથ સૂત્ર-૮૩૭ થી ૮૪૪ અને ગચ્છાચાર પયત્રા સૂત્ર-૮૫ની વૃત્તિમાં આ કથા વિસ્તારથી આપેલી છે.)
(૧૩) સિંહગિરિ :
સિંહગિરિ આચાર્ય ભગવંત મહાવીરની બારમી પાટે બિરાજમાન પ્રભાવશાળી આચાર્ય હતા. તેઓ આર્યદિત્રસૂરિના શિષ્ય હતા. સિંહગિરિસૂરિને