________________
૧૦૧
વંદિત્ત-સૂત્ર-વિવેચન વંદામિ - વંદન કરું છું
જિણે - જિનેશ્વરોને | વિવેચન :
શ્રાવકે દિવસે, રાત્રે, પખવાડીયે, ચોમાસે અને વર્ષ લાગતાં અતિચારોને આલોવવાના માટે આ સૂત્ર બોલવાનું હોય છે. તેનું ક્રિયા સહિત પઠન-ઉચ્ચારણ કરવા માટે દેવસિક પ્રતિક્રમણમાં નિર્ધારીત થયેલા સમય વિશે સ્પષ્ટ વિધાન છે કે સૂર્ય અસ્ત થતો હોય ત્યારે આ સૂત્ર બોલાય છે. તેને શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર કહેવાય છે કેમકે શ્રાદ્ધ અર્થાત્ શ્રાવક, શ્રાવકે પ્રતિક્રમણના હેતુથી આ સૂત્ર બોલવાનું છે (ચિંતવવાનું છે) માટે “શ્રાદ્ધપ્રતિક્રમણ” કહેવાય છે.
આ સૂત્રની વિવેચના કરતા પહેલા વિવેચનમાં ઉપયોગમાં લેવાયેલા ગ્રંથોનો સામાન્ય ઉલ્લેખ અમે જરૂરી માનીએ છીએ કેમકે અમે અહીં કરેલ વિવેચન થોડું વિસ્તૃત લાગશે, પરંતુ પૂર્વાચાર્યોએ જે વિશાળકાય ગ્રંથરચના આ સૂત્રના વિવેચનમાં કરી છે તેની તુલનાએ ૧૫૦-૨૦૦ પૃષ્ઠોમાં આ સૂત્રનું વિવેચન તો સામાન્ય જ લાગે.
૦ વિવેચનના સંદર્ભ ગ્રંથો - (અમે ઉપયોગ કરેલ)
દેવેન્દ્રસૂરિજી રચિત - “વૃંદારવૃત્તિઓ, રત્નશેખરસૂરિજી રચિત અર્થ દીપિકા, માનવિજ્ય ઉપાધ્યાયનો “ધર્મસંગ્રહ", જયવિજયજી રચિત “ષડાવશ્યક બાલાવબોધ", હેમચંદ્રાચાર્ય રચિત “યોગાસ્ત્ર', વિજયસિંહ સૂરિ રચિત “ચૂર્ણિ', ચંદ્રસૂરિ રચિત “પડાવશ્યકવૃત્તિ', ઉમાસ્વાતિજી રચિત “તત્ત્વાર્થાધિગમ સૂત્ર” - તેના પરનું સ્વપજ્ઞ ભાષ્ય, હરિભદ્રસૂરિજી રચિત “પંચાશક', “ધર્મબિંદુ', શ્રાદ્ધગુણ વિવરણ, સંબોધપ્રકરણ, ધર્મરત્ન પ્રકરણ, શ્રાદ્ધદિનકૃત્ય, પ્રવચનસારોદ્ધાર આદિ.
આગમોમાં મુખ્યત્વે (૧) આવશ્યક સૂત્ર-વૃત્તિ, (૨) આવશ્યક ચૂર્ણિ, (૩) ઉપાસક દશાંગ - સટીક. અને સહાયાર્થે (૪) સ્થાનાંગ વૃત્તિ, (૫) ભગવતીજી વૃત્તિ, (૬) દશવૈકાલિક વૃત્તિ - આદિ.
૦ વિવેચન પદ્ધતિ :
આ પૂર્વે ૩૪ સૂત્રોનું વિવેચન કરાયેલ છે. આ પછી પણ ઘણાં સૂત્રોનું વિવેચન થવાનું છે, તો પણ અહીં “વિવેચન પદ્ધતિ" વાક્યપ્રયોગ સહેતુક કરેલ છે.
(૧) આ સૂત્ર અને તેનું વિવેચન ઘણું લાંબુ છે.
(૨) સૂત્રમાં આચાર, વ્રતો-અતિચારો, અન્ય પણ બીજી બાબતોનો સમાવેશ થયો છે, તેનું સ્પષ્ટ વિભાજન જરૂરી છે.
(૩) ક્યાંક ક્યાંક એક જ ગાથાને બદલે ગાથાસમૂહ સાથે લઈને પણ વિવેચન કરેલ છે, જેથી સૂત્રનો હેતુ સ્પષ્ટ થાય.
(૪) અન્ય સૂત્રોમાં ગાથાનું ક્રમાંકન સાથે આપેલ નથી. પણ અહીં સૂત્ર લાંબુ હોવાથી ગાથા ક્રમાંકન પણ મૂકેલ છે.
(૫) કેટલાંક પદસમૂહ સૂત્રમાં એક કરતા વધુ વખત જોવા મળે છે, ત્યાં તેનો સંબંધ દર્શાવવો જરૂરી લાગ્યો છે. જેમકે – “પડિક્કમે દેસિએ સવ્વ', “આયરિયમપ્રસન્થ ઇત્યાદિ.