________________
ઉવસગ્ગહરં સ્તોત્ર-વિશેષ કથન
૮૫
ત્યારે પ્રિયંકર વિચારે છે કે ખરેખર ! આ ઉવસગ્ગહરનો જ પ્રભાવ છે. કોઈ વખતે તેને અત્યંત શુભ લક્ષણો યુક્ત સ્વપ્ન આવ્યું. ઉપાધ્યાયને સ્વપ્નનું ફળ પૂછવા ગયો. શુકનો પણ બધાં અનુકૂળ થયા જોઈને ઉપાધ્યાયે પોતાની સોમવતી નામની પુત્રી કુમારને આપી. પ્રિયંકરના પિતાને કહ્યું કે, પ્રિયંકર રાજા થશે. ( કોઈ વખતે પ્રિયંકરનો પડોશી ધનદત્ત નામે કોટિપતિ હતો. તેને બે પુત્રો અને ચાર પુત્રીઓ હતી. તેણે નવું મકાન બનાવ્યું. તેમાં ચોથે દિવસે સુતો હતો ત્યારે સવારે જાગ્યો ત્યાં પોતાના આંગણામાં પલંગને જોયો. ધનદત્ત આશ્ચર્ય પામ્યો. ફરી-ફરી આ બનાવ બન્યા કર્યો. તેણે મંત્રવેત્તાઓને બોલાવ્યા. પણ તેનાથી તો પરિણામ વિપરિત આવ્યું. પ્રિયંકરે તેને ચિંતાતુર સ્થિતિમાં જોયો. ચૈત્રી અઠાઈમાં પ્રિયંકરે તે નવા મકાનમાં પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પધરાવી વિધિ સહિત મૌનપણે રોજનો ૫૦૦ ઉવસગ્ગહરનો જાપ એકાગ્રચિત્તે કર્યો તેના પ્રભાવે ધનદત્તના મકાનમાં રહેતો દુષ્ટ વ્યંતર ચાલ્યો ગયો. ત્યારે ધનદત્તે પ્રિયંકરને પોતાની શ્રીમતી નામે પુત્રી પરણાવી.
કેટલાક કાળે હિતકર શ્રેષ્ઠીએ આ બધી વાત જાણી. તેમની દીકરી કોઈ શાકિની વડે ગ્રહણ કરાયેલી હતી. પ્રિયંકરે આઠમ અને ચૌદશે પાર્શ્વનાથ પ્રભુ સમક્ષ ઉવસગ્ગહરનો જાપ શરૂ કર્યો. ધીમે ધીમે તે કુમારીને ફાયદો થવા લાગ્યો.
કોઈ વખતે કોઈ યક્ષ બ્રાહ્મણના રૂપે આવ્યો. તેણે પ્રિયંકરને પોતાની માયાથી ફસાવી વચન માંગ્યું કે હિતકર શ્રેષ્ઠીની કન્યાનો ઉપચાર ન કરવો, ત્યારે પ્રિયંકરે પૂછયું કે, આ કન્યાએ તારું શું બગાડેલ છે ? ત્યારે યક્ષે કહ્યું કે, તેણે મારી મૂર્તિને પથરો કહી મોં બગાડેલ હતું. પ્રિયંકરે મિષ્ટવચનથી તે યક્ષના કોપને શાંત કર્યો. ઉવસગ્ગહરના પ્રભાવથી તે યક્ષે કન્યાને મુક્ત કરી, પ્રિયંકરને પક્ષીઓની ભાષા જાણવાની વિદ્યા આપી. મંત્રીએ પણ પોતાની યશોમતી કન્યા પ્રિયંકરની સાથે પરણાવી.
કોઈ સમયે અશોકચંદ્ર રાજાના બે પુત્ર અરિશૂર અને રણશૂર મરણ પામ્યા. દેવતાના વચનથી રાજાએ પ્રિયંકરને રાજસિંહાસન પર સ્થાપિત કર્યો. તેનો રાજ્યાભિષેક થયો. શત્રુ રાજાઓ પણ તેને વશ થયા. સાતમે દિવસે રાજા અશોકચંદ્ર પણ મૃત્યુ પામ્યો. પ્રિયંકર રાજાને ઉવસગ્ગહર સ્તોત્રના ગણવાના પ્રભાવથી આ લોકમાં જ સર્વ ઇષ્ટસિદ્ધિઓ પ્રાપ્ત થઈ. પ્રિયંકર રાજા રાત્રિના એક પ્રહર પર્યત રોજ ધ્યાનપૂર્વક ઉવસગ્ગહર સ્તોત્રનું ગણન કરવા લાગ્યો. કોઈ વખતે ધરણેન્દ્ર પોતે પોતાની ઋદ્ધિ દેખાડવા રાજાને લઈ ગયેલો. ત્યાં તેણે એક ઓરડામાં ઉવસગ્ગહર સ્તવને ગણતા દેવને જોયો હતો. એવી વિવિધ ઋદ્ધિને જોતાં તેઓ દશ દિવસ ત્યાં રહેલા, પછી ધરણેન્દ્ર જ તેમને તેમના નગરમાં મૂકી ગયો. કાળક્રમે મૃત્યુ પામી સૌધર્મ દેવલોકે તે પ્રિયંકર રાજા સમૃદ્ધિવાળો દેવ થયો. ક્રમ કરીને મહાવિદેહ મોક્ષે જશે.
આ રીતે ઉવસગ્ગહર સ્તોત્રના પ્રભાવે સર્વ સંપદાની પ્રાપ્તિ થાય છે.